મણિપુરમાં હિંસા મુદ્દે ભાજપના 7 MLAની પોતાના જ મુખ્યમંત્રી સામે તપાસની માંગ
મણિપુરમાં મોટાપાયે હિંસાનો દોર ભલે અટકી ગયો હોય છતાં તંગદિલી તો હજુ યથાવત છે. મુખ્યમંત્રી એન. બિરેન સિંહ વિરુદ્ધ અવાજ સતત ઊઠાવાઈ રહ્યો છે અને વિપક્ષ લાંબા સમયથી તેમની સામે મોરચો માંડી રહ્યો છે. હવે બિરેન સિંહને હટાવવાની માંગ ઉઠી છે. આ દરમિયાન ભાજપના જ 7 ધારાસભ્યોએ સીએમ બિરેન સિંહ વિરુદ્ધ તપાસ માટે કમિશનની રચના કરવાની માંગ કરી છે.
સીએમ બિરેન સિંહ સામે કુકી સમુદાયના કુલ 10 ધારાસભ્યોએ તપાસની માંગ કરી હતી, જેમાંથી 7 તો સત્તાધારી પક્ષ ભાજપના જ છે. ધારાસભ્યોનું કહેવું છે કે હિંસાની ઘટનાઓની તપાસ માટે કમિશનની રચના કરવી જોઈએ. તેમાં જો એન.બિરેન સિંહ દોષિત ઠરે તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
આ ધારાસભ્યોએ સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું કે સીએમ બિરેન સિંહની ભૂમિકા શંકાસ્પદ છે. તેમના પર આરોપ લગાવ્યો કે કુકી સમુદાયનો નરસંહાર કરવાની છૂટ તેમના દ્વારા જ અપાઈ હતી. ખરેખર બિરેન સિંહ મૈતેઈ સમુદાયમાંથી આવે છે. ગયા વર્ષે મૈતેઇ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.
આ ધારાસભ્યોએ મણિપુર ટેપ્સના નામે એક ઓડિયો ટેપ પણ જાહેર કરી છે. ધારાસભ્યોએ કહ્યું કે સીએમએ તેમના વલણથી મેતૈઈ સમુદાયના બેકાબૂ તત્વોને પ્રતિરક્ષા આપી હતી. ધારાસભ્યોએ કહ્યું કે મુખ્યમંત્રીએ જ હિંસા માટે પરવાનગી આપી હતી. એટલું જ નહીં, આ ધારાસભ્યોએ કહ્યું કે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ મણિપુર આવ્યા હતા ત્યારે તેમણે સીએમ બિરેન સિંહને જનતા પર બોમ્બનો ઉપયોગ ન કરવા અંગે ઠપકો પણ આપ્યો હતો.