મહારાષ્ટ્રમાં 65.08, ઝારખંડમાં 68.45 ટકા મતદાન, શનિવારે પરિણામો
ચૂંટણી પંચના મધરાતના આંકડા દર્શાવે છે કે બન્ને રાજ્યોમાં 2019 કરતાં વધુ મતદાન
ચૂંટણી પંચે મોડી રાતે 11.30 કલાકે જાહેર કરેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 65.08 અને ઝારખંડગમાં 68.45 ટકા મતદાન નોંધાયું છે. પંચના જણાવ્યા મુજબ બન્ને રાજયોમાં 2019ની ચુંટણી કરતા મતની ટકાવારી વધી છે. પંચના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં ગત ચુંટણી કરતા આ વખતે 3.64 ટકા મતદાન વધ્યું છે. કરવીરમાં સૌથી વધુ એટલે કે 84.79 ટકા મતદાન થયું હતું. જયારે મુંબઇ શહેરમાં સૌથી ઓછું 50.98 ટકા મતદાન નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં અમુક ઘટનાઓને બાદ કરતા મતદાન શાંતિપુર્ણ રહ્યું હતું.
પાંચ વર્ષ પહેલાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 61.44 ટકા કરતાં 3.64 ટકા વધુ એટલે કે 65.08 ટકા મતદાન આ વખતે નોંધાયું હતું. આ આંકડા રાત્રે 11.30 વાગ્યા સુધીના છે.
કેટલાંક મતદાન-કેન્દ્રના આંકડા અપડેટ થઈ રહ્યા છે એટલે ટકાવારીમાં થોડો વધારો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે બન્ને રાજયોના ચુંટણી પરિણામો શનિવારે જાહેર થનારા છે. પરંતુ જુદી-જુદી એજન્સીઓએ જાહેર કરેલા એકઝીટ પોલ્સમાં ભાજપ ગઠબંધન મેદાન મારી જાય તેવો વર્તારો આપવામાં આવ્યો છે. જો કે ઝારખંડનું ચિત્ર અસ્પષ્ટ જણાય છે. આ સંજોગોમાં તમામ રાજકીય પક્ષો અને નેતાઓ અધ્ધર શ્ર્વાસે મતગણતરીના દિવસની વાટ જોઇ રહ્યા છે. હરિયાણામાં જે રીતે તમામ એકઝીટ પોલ ખોટા ઠર્યા એ કારણે કોઇપણ મોરચો વિજય માટે આત્મવિશ્વાસ ધરાવતો નથી.