ઉત્તરાખંડના હલ્દવાની હિંસામાં 6 લોકોનાં મોત: તોફાનીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ, સ્કૂલો-દુકાનોને તાળાં
ઉત્તરાખંડના હલ્દવાનીના વનભૂલપુરામાં સરકારી જમીનમાં બનેલા એક મદરેસા પર બૂલડોઝર ફરતાં ભારે હોબાળો થયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ પ્રશાસનની કાર્યવાહીથી રોષે ભરાયેલા ટોળાએ વણભૂલપુરા પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો અને આગ ચાંપી હતી. આ ઘટનાના પગલે આખાય વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. સરકારે ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી હતી. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઈમરજન્સી સમીક્ષા બેઠક બોલાવી હતી અને તોફાની તત્વોને દેખો ત્યાં ઠારનો આદેશ આપતા મામલો વધારે ગંભીર બન્યો હતો. બબાલમાં મોડી રાત્રે બે વાગ્યા સુધીમાં 6 લોકોના મોત થઇ ચૂક્યા હતા. મહિલા એસડીએમ અને એસપી સહિત અંદાજિત 250થી વધુ લોકો પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયા હતા, આ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
તંગ પરિસ્થિતિને જોતા ડીએમ વંદનાએ નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે. રાત્રે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ચાર કંપની પીએસી સહિત જિલ્લાભરના પોલીસ સ્ટેશન અને ચોકીઓનો સ્ટાફ બાણભૂલપુરા પહોંચ્યો હતો. બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. આજે (શુક્રવાર) બજારો અને તમામ શાળાઓ બંધ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.
હલ્દવાણીના વનભૂલપુરામાં ગેરકાયદે બાંધકામ હટાવવા દરમિયાન પોલીસ અને વહીવટી અધિકારીઓ પર હુમલાની ઘટનાને મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ગંભીરતાથી લીધી છે. તેમણે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. બીજી તરફ નૈનીતાલના જિલ્લા મેજિસ્ટ્રેટે વનભૂલપુરા વિસ્તારમાં કર્ફ્યુ લાદી દીધો છે અને તોફાનીઓને ગોળી મારવાનો આદેશ આપ્યો છે. આ ઘટના અંગે મુખ્યમંત્રીએ મોડી સાંજે મુખ્યમંત્રી આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને અધિકારી પાસેથી સમગ્ર મામલાની માહિતી લીધી હતી. તેમણે આ વિસ્તારમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તમામ સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ પણ આપી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે મુખ્ય પ્રધાનને ટેલિફોન પર માહિતી આપી હતી કે બાણભૂલપુરાના અશાંત વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સામાન્ય રાખવા માટે તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે બાણભૂલપુરા એ જ વિસ્તાર છે જ્યાં ગયા વર્ષે હાઈકોર્ટે રેલવેની જમીન પર આવેલી 50 હજારની વસ્તીવાળી વસાહત ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. અતિક્રમણ હટાવવા માટે પોલીસ-વહીવટી તંત્રએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. આ દરમિયાન મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને હાલમાં વિચારણા હેઠળ છે.