આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્ત
આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી હતી. આ ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. ગઇકાલ સવારથી જ હજારો શ્રદ્ધાળુ વૈકુંઠ દ્વારા દર્શન માટે જુદાં-જુદાં ટિકિટ કેન્દ્રો પર લાઇનમાં ઊભા હતા. આ ઘટના તે સમયે બની જ્યારે શ્રદ્ધાળુઓને વૈરાગી પટ્ટીડા પાર્કમાં લાઇન લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. વૈકુંઠ દ્વારા દર્શન દસ દિવસ માટે ખોલવામાં આવ્યા છે. તેના લીધે ટોકન માટે લોકો હજારોની સંખ્યામાં લાઇન લગાવે છે.
ગઈ કાલે મોડી રાત્રે એકાદશીના દર્શન માટે તિરુપતિ મંદિરમાં ભીડ જામી હતી. જ્યારે પણ ભક્તો મંદિરે જાય છે ત્યારે દરેકની ઈચ્છા દર્શન કરવાની હોય છે, જેના કારણે લોકો મંદિરમાં દર્શન કરવા ટોકન લેવા માટે લાંબી લાઈનમાં ઉભા હતા.
મળતી માહિતી મુજબ ટોકન મેળવવા માટે લગભગ 4 હજાર લોકો લાંબી કતારોમાં ઉભા હતા અને ટોકન આપવા માટે માત્ર 91 કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. થોડી જ વારમાં ભીડ કાબૂ બહાર ગઈ અને નાસભાગ મચી ગઈ. આ ભીડમાં મહિલાઓ અને વૃદ્ધો બધા સામેલ હતા. લોકોને પાટડીડા પાર્કમાં જવાની સૂચના આપવામાં આવી હતી અને પાટડીડા જતા સમયે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 6 લોકો મૃત્યુ પામ્યા મંદિર સમિતિના ચેરમેન બીઆર નાયડુએ તાત્કાલિક બેઠક યોજી હતી. સીએમ ચંદ્રાબાબુ નાયડુએ આ ઘટનાને લઈને શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના સંબંધીઓને દિલસોજી પાઠવી છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર પૂરી પાડવા આદેશ આપ્યા છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે, 'આંધ્ર પ્રદેશના તિરુપતિમાં થયેલી ભાગદોડથી હું દુઃખી છું, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. આંધ્રપ્રદેશ સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.
આ દુર્ઘટના બાદ સીએમ ચંદ્રબાબુ નાયડુએ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરતાં તેણે કહ્યું કે, તે આ અકસ્માતથી આઘાતમાં છે. તેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાની માહિતીને ધ્યાનમાં રાખીને, મેં ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે જવા સૂચના આપી છે જેથી ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડી શકાય. હું સમયાંતરે જીલ્લા અને ટીટીડી અધિકારીઓ સાથે વાત કરું છું અને પરિસ્થિતિની સમીક્ષા કરું છું.