હિંડનબર્ગના નવા ધડાકાથી અદાણીના શેરોમાં 53000 કરોડનું ધોવાણ
અદાણી ટોટલ ગેસમાં 6.31%, પાવરમાં 5.29%, એન્ટરપ્રાઈઝમાં 4.55%%, એનર્જી સોલ્યુસન્સમાં 4.46%, વિલ્મારમાં 4.35%, ગ્રીન એનર્જીમાં 4.08%ના ગાબડાં, કુલ માર્કેટ કેપ રૂા.16.7 લાખ કરોડ થઈ ગયું
શનિવારે અમેરિકન શોર્ટસેલર ગ્રુપ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા શેર બજારના નિયમનકર્તા સેબીના વડા માધાબી બુચ અને અદાણી જુથ વચ્ચે નાણાકીય સબંધો હોવાના ધડાકાથી આજે શેરબજાર ખુલતા જ અદાણીના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે. શરૂઆતના તબક્કામાં જ અદાણી જૂથના શેરોમાં મોટા ગાબડા પડતા રોકાણકારોના રૂા. 53000 કરોડ ધોવાઈ ગયા છે. અદાણીના 10 શેરોનું સંયુક્ત માર્કેટ કેપ ઘટીને 16.7 લાખ કરોડ થઈ ગયું છે. સૌથી વધુ ઘટાડો અદાણી ટોટલ ગેસમાં જોવા મળ્યો હતો. અદાણી ટોટલ ગેસ 6.22 ટકા જેટલો તુટ્યો છે.
આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં હિંડનબર્ગના ધડાકાની મામુલી અસર જોવા મળી છે. પરંતુ અદાણી જૂથના શેરોમાં મોટા ગાબડા પડ્યા છે. અદાણી જૂથનો મુખ્ય શેર અદાણી એન્ટરપ્રાઈઝ 4.18 ટકા જેટલો તુટીને 3054 પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજા નંબરનો અદાણી પોર્ટ પણ આજે 2.46 ટકા સુધી તુટ્યો છે. ત્રીજા નંબરે અદાણી ગ્રીન 3.73 ટકા જેટલો તુટ્યો છે. અદાણી વીલમાર અને અદાણી એનર્જી 4.19 ટકા જેટલા તુટ્યા છે. આજે અદાણી જૂથના તમામ શેરો રેડઝોનમાં ટ્રેડ થતાં અદાણીનું કુલ માર્કેટ કેપ 16.7 લાખ કરોડ થઈ ગયું હતું. રોકાણકારોની સંપત્તિમાં પ્રારંભીક તબક્કે જ 53000 કરોડનું નુક્શાન થયું છે.
હિંડનબર્ગ દ્વારા સેબીના વડા માધાબી બુચ અને તેના પતિ ધવલ બુચ દ્વારા અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી સાથે અલગ અલગ કંપનીઓમાં ગેરકાયદેસર રીતે નાણા રોકવાનો આક્ષેપ કરાયો હતો. જેના પગલે ગઈકાલે માધાબી બુચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. કે, તેનો અને તેના પતિ દ્વારા અલગ અલગ ફંડમાં 2015માં રોકાણ કરવામાં આવ્યું હતું. ત્યારે તેઓ સામાન્ય નાગરિક હતાં. પરંતુ આજે સવારે જ હિંડનબર્ગ દ્વારા ખુલ્લાસાના પગલે નવું નિવેદન આવ્યું છે કે, સેબીના વડાનો ખુલ્લાસો અમારા આક્ષેપનો સ્વિકાર છે.
ગૌતમ અદાણીની નેટવર્થમાં રૂા.3.02 લાખ કરોડનો ઘટાડો
હિંડનબર્ગ દ્વારા શનિવારે સેબીના વડા અને અદાણી જૂથ વચ્ચે નાણાકીય સબંધોના નવા ધડાકાને પગલે અદાણી જુથના વડા ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો ઘટાડો થયો છે. આજે ફોર્બ્સની વેબસાઈટ અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિમાં આજે 3.6 બીલીયન ડોલર એટલે કે, 3.02 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ગૌતમ અદાણીની રિયલટાઈમ નેટવર્થ આજે 4.17 ટકા ઘટી છે. અને કુલ 81.8 બિલીયન ડોલર થઈ ગઈ છે. અને બિલીયોનર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી વિશ્ર્વમાં 20માં ક્રમે પહોંચી ગયા છે.