સિડની ક્રિકેટ મેદાનમાં 50 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, 47000 લોકોએ નિહાળી લાઇવ મેચ
મેચમાં પાંચ દિવસમાં 1,89,989 પ્રેક્ષકોનો રેકોર્ડ પણ તૂટી શકે છે
સિડનીમાં રમાઈ રહેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચમાં એક ઇતિહાસ રચાયો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રથમ દિવસે ટી બ્રેક સમયે 47,566 દર્શકો મેચ જોવા માટે હાજર હતા. 1976 બાદ આવુ પ્રથમ વખત બન્યું છે,જ્યારે સિડનીમાં ટેસ્ટ મેચના પહેલા દિવસે આટલી મોટી સંખ્યામાં ચાહકો મેચ જોવા આવ્યા હતા. અગાઉ ભારત-ઓસ્ટ્રેલિયા મેચના પ્રથમ દિવસે દર્શકોની સંખ્યાનો રેકોર્ડ 44,901 હતો, જે જાન્યુઆરી 2004માં બન્યો હતો.
આ મેચમાં પાંચ દિવસમાં 1,89,989 પ્રેક્ષકોની ઉપસ્થિતિનો રેકોર્ડ પણ તૂટી શકે છે. આ રેકોર્ડ ભારત સામે જાન્યુઆરી 2004માં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ વોની છેલ્લી મેચમાં નોંધાયો હતો. આ પહેલા મેલબોર્ન ટેસ્ટમાં પણ રેકોર્ડ બન્યો હતો. મેલબોર્નમાં રમાયેલી ટેસ્ટ મેચ જોવા માટે 373,691 ફેન્સ આવ્યા હતા. તેને 1937માં આ સ્ટેડિયમમાં 350,534 દર્શકોનો રેકોર્ડ તોડ્યો હતો.