વાયુ પ્રદૂષણથી દેશમાં દરરોજ પાંચ વર્ષથી નાના 464 બાળકોના મૃત્યુ
વાયુ પ્રદૂષણ એક સાયલન્ટ કિલર છે જે ભારત સહિત વિશ્વભરના દેશોમાં ઘણા બાળકોના મૃત્યુનું કારણ છે. લોકો ઘણીવાર પ્રદૂષણને હળવાશથી લે છે પરંતુ આમ કરવું એ આખી દુનિયા માટે સૌથી મોટી ભૂલ છે. પ્રદૂષણને કારણે ભારતમાં લોકોની હાલત ખરાબ છે. ભારતના સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2024ના અહેવાલ મુજબ, ભારતમાં દરરોજ 5 વર્ષથી ઓછી ઉંમરના 464 બાળકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે.
આ તમાકુ અને ડાયાબિટીસના કારણે થતા મૃત્યુની સંખ્યા કરતા વધુ છે. 2021માં ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 169,400 બાળકોના મૃત્યુ માટે હવાનું પ્રદૂષણ જવાબદાર હતું.
જો આપણે વૈશ્વિક અહેવાલ પર ધ્યાન આપીએ તો કુપોષણ પછી, વાયુ પ્રદૂષણ પાંચ વર્ષથી ઓછી વયના બાળકોના મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. 2021 માં, વાયુ પ્રદૂષણ વૈશ્વિક સ્તરે 8.1 મિલિયન મૃત્યુ માટે જવાબદાર હતું, જેમાં ભારત અને ચીનનો હિસ્સો 55% હતો.વાયુ પ્રદૂષણને કારણે અસ્થમા, ફેફસાંની વિકૃતિઓ, હૃદયરોગ, ફેફસાંનું કેન્સર, ડાયાબિટીસ અને સ્ટ્રોક સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.