42% પુરુષોએ છૂટાછેડા-ભરણપોષણ માટે લોન લીધી
છૂટાછેડાના નાણાકીય અને કારકિર્દીલક્ષી પરિણામોનો રસપ્રદ અભ્યાસ: છૂટાછેડાનો ખર્ચ પાંચ લાખ અથવા એથી વધુ
લગ્ન સામાન્ય રીતે જીવનભર ટકી રહેવાની આશા સાથે કરવામાં આવે છે. જો કે, જ્યારે છૂટાછેડા થાય છે, ત્યારે તે લાગણીઓને ઠેસ પહોંચાડી દે છે. ફાઇનાન્સ મેગેઝિન દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં ભારતમાં છૂટાછેડાના નાણાકીય પરિણામો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સંશોધન મુજબ સ્થાપક કાનન બહલે શેર કર્યું કે, લગભગ 42% પુરુષોએ છૂટાછેડાની કાર્યવાહી અથવા ભરણપોષણ માટે લોન લીધી હતી.
ભારતમાં મેટ્રો સિટીમાં છૂટાછેડા ખૂબ થઈ રહ્યા છે. 1,258 લોકોનો સર્વે કરવામાં 6 મહિનાનો સમય લાગ્યો, જેથી નાણાકીય બાબતો પર છૂટાછેડાની અસર જાણી શકાય. છૂટાછેડા અને નાણાકીય બાબતો ભારતમાં છૂટાછેડા, ભારે માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક ખર્ચ સાથે આવે છે.
છૂટાછેડા અને નાણાકીય બાબતો આ બંને ભારતમાં ગંભીર મુદ્દા છે. છૂટાછેડા માત્ર માનસિક અને સામાજિક ભાર સાથે જ નથી આવતા, તેના નાણાકીય પરિણામો પણ ઊંડા હોય છે. લગ્ન ખર્ચ, ભરણપોષણ, કાનૂની ખર્ચ અને કારકિર્દી સંબંધિત વિક્ષેપ બધું લગ્ન પછી કૌટુંબિક જવાબદારીઓ નિભાવતી વખતે મહિલાઓ પર વિશેષ અસર કરે છે. સર્વેક્ષણ મુજબ કામ કરતા લોકોમાંથી 23% લોકો બીજા શહેરમાં સ્થળાંતરિત થયા, 16% લોકોના કામની તીવ્રતામાં ઘટાડો, 30% લોકો નોકરી છોડી ગયા, 43% કિસ્સાઓમાં પતિઓએ લગ્ન પછી ખર્ચની સંપૂર્ણ જવાબદારી લીધી, પુરુષો સબંધી ભરણપોષણ અને નાણાકીય બાબતોના પાસાના વિશ્ર્લેષણમાં જણાવ્યું છે કે 42% પુરુષોએ ભરણપોષણ ચૂકવણી/છૂટાછેડાની કાર્યવાહી માટે લોન લીધી, 29% લોકોએ નેગેટિવ નેટવર્થ હોવા છતાં પણ ભરણપોષણ ચૂકવ્યું.
જયારે 26% સ્ત્રીઓએ તેમના પતિના નેટવર્થના 100% થી વધુ ભરણપોષણ તરીકે મેળવ્યા હોવાના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. પુરુષોની 38% વાર્ષિક આવક ભરણપોષણ ચૂકવણીમાં નીકળી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. નાણાકીય બાબતોની દલીલો સંબંધી અભ્યાસ દર્શાવે છે કે 67% લોકોએ 15 દિવસમાં ઓછામાં ઓછી એક વખત નાણાકીય બાબતો પર દલીલો કરી, 90% લોકોએ મહિનામાં નાણાકીય બાબતો પર ઓછામાં ઓછી એક દલીલ કરી હોવાનું જણાવ્યું. નેગેટિવ નેટવર્થ ધરાવતા 100% યુગલોમાં પૈસાના ઝઘડા થયા હતા. નવાઇની વાત એ છે કે નેટવર્થ વધતાં આ આંકડો ઘટે છે.
છૂટાછેડાની કાર્યવાહીના ખર્ચ બાબતે અભ્યાસ જણાવે છે કે 16% સ્ત્રીઓએ ₹5 લાખથી વધુ ખર્ચ કર્યો, 49% પુરુષોએ ₹5 લાખથી વધુ ખર્ચ કરવો પડ્યો, છૂટાછેડાની કાર્યવાહીમાં કાનૂની ફી, પરિવહન, ભરણપોષણ અને માનસિક સ્વાસ્થ્યના ખર્ચનો સમાવેશ થાય છે.
છૂટાછેડાના કારણો પર દ્રષ્ટીપાત નાખીએ તો જણાય છે કે સ્ત્રીઓમાં 56% સાસરિયા પક્ષના વિવાદનો ઉલ્લેખ કરે છે, 43% નાણાકીય મુદ્દાઓનો ઉલ્લેખ કરે છે. પુરુષોના 42% નાણાકીય મુદ્દાઓનો ઉલ્લેખ કરે છે, 21% અસંગતતાનો ઉલ્લેખ કરે છે, 21% બેવફાઈનો ઉલ્લેખ કરે છે.