કોરોના સંક્રમિત લોકોમાં હીપ રિપ્લેસમેન્ટના કેસમાં 40% વધારો
80% લોકો 50 વર્ષથી ઓછી વયના, સ્ટીરોઇડ્સ જવાબદાર હોવાનો નિષ્ણાતોનો મત
કોરોના વાઇસ હવે ભૂતકાળ બની ગયો છે પણ તેની અસર હજુ કોઇને કોઇ રીતે સ્વાસ્થ્ય પર જોવા મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં શ્વાસની સમસ્યા ઉપરાંત હીપ રિપ્લેસમેન્ટના દર્દીઓમાં પણ વધારો થયો છે. કોરોના બાદ ગુજરાતમાં હીપ રિપ્લેસમેન્ટ કરાવનારાના પ્રમાણમાં 40 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત હીપ રિપ્લેસમેન્ટ કરાવનારામાં 80 ટકા 50થી ઓછી વયના છે.
અમદાવાદના જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન્સના મતે અવેસ્ક્યુલર નેક્રોસિસ તરીકે ઓળખાતી મેડિકલ કન્ડિશનનના દર્દીઓમાં વધારો થયો છે. આ સ્થિતિમાં હીપ જોઇન્ટ અવરોધાય છે અને હાડકાં ક્ષીણ થવાની શરૂૂઆત થવા લાગે છે. હીપ રિપ્લેસમેન્ટ કરાવનારા દર્દીઓમાં સમાનતા એ જોવા મળી છે કે તેઓ કોરોના સંક્રમિત હતા અને તેમને સ્ટીરોઇડ આપવામાં આવ્યું હતું. એ વખતે દવાઓએ જે-તે સમયે નિ:શંકપણ તેમનો જીવ બચાવ્યો હતો પરંતુ હવે તેની લાંબા ગાળાની અસર જોવા મળી છે.
વર્ષ 2020 અગાઉ હીપ રિપ્લેસમેન્ટ કરાવનારા મોટાભાગના દર્દીઓ 60થી વઘુ વયના હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે અને યુવાનોને પણ હીપ રિપ્લેસમેન્ટ કરાવવું પડી રહ્યું છે. તબીબોના મતે સ્ટેજ-1, સ્ટેજ-2ના દર્દી હોય તો તેમાં દવા-ફિઝિયોથેરાપીથી દર્દીને દુ:ખાવાથી રાહત મળે તેવા પ્રયાસ થઇ શકે છે. સ્ટેજ-3 બાદ સર્જરી જ શ્રેષ્ઠ વિકલ્પ રહે છે. જેના દ્વારા તેઓ પહેલાની જેમ જ દુ:ખાવા વગ રોજીંદુ જીવન પસાર કરી શકે છે.
આ અંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી સ્પાઇન ઈન્સ્ટિટ્યુટના ડિરેક્ટર ડો. પીયૂષ મિત્તલે જણાવ્યું કે, હીપ રિપ્લેસમેન્ટ કરાવવું પડે તેવા દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ વર્ષે 150 થી 200 દર્દીનું હીપ રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. હીપ રિપ્લેસમેન્ટ કરાવવું પડે તવા યુવાનોનું પ્રમાણ વઘ્યું છે.
કોરોનામાંથી સાજા થવા સ્ટીરોઇડ લીધી હોય અથવા તો આલ્કાહોલનું વધારે પડતું સેવન કરવાને પગલે પણ હીપ રિપ્લેસમેન્ટ કરવાના પ્રમાણમાં વધારો થયો છે તેમ જણાવતા ડો. હરેશ ભાલોડિયાએ ઉમેર્યું કે, સ્ટીરોઈડ્સ પણ આનું એક કારણ છે. પરંતુ મારું માનવું છે કે, નિતંબના હાડકાં સુધી લોહી પહોંચાડતી ધમનીઓમાં ક્લોટિંગ થવું મહત્વનું કારણ છે. કોરોના અગાઉ દર મહિને અમે સરેરાશ 20 દર્દીઓના હીપ રિપ્લેસમેન્ટ કરતા હતા, તેના સ્થાને હવે 30 દર્દીઓના હીપ રિપ્લેસમેન્ટ કરાવવા પડે છે. આ ઉપરાંત 50 ટકા દર્દી એવા છે જેમને બેય બાજુ હીપ રિપ્લેસમેન્ટ કરાવવું પડે છે.