ચેક રિટર્ન કેસમાં ફરિયાદ કરવા 30 દિવસની સમયમર્યાદા ફરજિયાત
ચેક રિટર્ન (ચેક ડિસઓનર) કેસને લઈને સુપ્રીમ કોર્ટે એક સ્પષ્ટ અને મહત્વનો ચુકાદો આપ્યો છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુ મેન્ટ્સ એક્ટ, 1881ની કલમ 142(b) હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે નિર્ધારિત 30 દિવસની સમય મર્યાદા ફરજિયાત છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો આ સમયમર્યાદા વીતી જાય, તો વિલંબ માટેનું કારણ દર્શાવતી એક ઔપચારિક અરજી કરવી અને કોર્ટ દ્વારા તેને મંજૂરી આપતો ન્યાયીક આદેશ પસાર કરવો અનિવાર્ય છે.જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે એક ચેક રિટર્ન કેસની ફરિયાદ રદ કરી દીધી છે, કારણ કે તે કાનૂની 30-દિવસની સમય મર્યાદા બાદ એટલે કે 35મા દિવસે દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ સાથે વિલંબ માફી માટે કોઈ અરજી દાખલ કરવામાં આવી ન હતી કે કોર્ટ દ્વારા પણ કોઈ વિલંબ માફ કરતો આદેશ નહોતો. આથી, સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો, જેમાં હાઈકોર્ટે ફરિયાદને માન્ય ગણીને ટ્રાયલ કોર્ટના સમન્સ જારી કરવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે કોઈ ફરિયાદ નિર્ધારિત સમય પછી દાખલ કરવામાં આવે ત્યારે આપોઆપ અથવા કલ્પિત વિલંબ માફી માન્ય રાખી શકાય નહીં. કોર્ટે અવલોકન કર્યું કે, એકવાર કાયદો ફરિયાદ દાખલ કરવા માટે ફરજિયાત સમયમર્યાદા નક્કી કરે, પછી તેમાં કોઈ વિચલન થઈ શકે નહીં, સિવાય કે ફરિયાદની સાથે જ વિલંબ માટેનું કારણ દર્શાવતી અરજી દાખલ કરવામાં આવે અને કોર્ટ તેને મંજૂરી આપે.