પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ, 2 પાયલોટ અને 1 એન્જિનિયર સહિત 3ના મોત
મહારાષ્ટ્રના પુણેમાં મોટી દુર્ઘટના બની છે. પુણે પાસે આવેલા બાવધનના બુદ્રુક ગામ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જેમાં 2 પાયલોટ અને 1 એન્જિનિયરનો સમાવેશ થાય છે.ગ્રામજનોએ હેલિકોપ્ટર ક્રેશની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને આપી હતી. પોલીસ અને મેડિકલ ટીમ રવાના કરી દેવામાં આવી છે.
હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર રાહત ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘટના સવારે સાત વાગ્યાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ધુમ્મસના લીધે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના સર્જાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે.
ડીજીસીએએ કહ્યું કે હેલિકોપ્ટરમાં બે પાયલટ અને એક એએમઈ હતા, જ્યારે કોઈ પેસેન્જર નહોતા. હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય ક્રૂ મેમ્બરના મોતના અહેવાલ છે. પાયલોટ કેપ્ટન પિલ્લઈ અને કેપ્ટન પરમજીત હતા. હેલિકોપ્ટરે સવારે 7 વાગ્યે ઉડાન ભરી હતી. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત થવાની સંભાવના છે. ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. હિંજેવાડી પોલીસ સ્ટેશન (પિંપરી ચિંચવાડ પોલીસ) અને ઉડ્ડયન અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરનું મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે ઑક્સફોર્ડ ગોલ્ડ ક્લબના હેલિપેડથી ઉડાન ભર્યા બાદ તરત જ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટના સવારે 7:00 વાગ્યાથી 7:10 વાગ્યાની વચ્ચે સર્જાઇ હતી. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાના કારણે દુર્ઘટના સર્જાઇ હોવાની આશંકા છે. જોકે અકસ્માત અંગે સચોટ માહિતી માટે ઓફિશિયલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ઓગસ્ટમાં પણ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું
આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ પુણેમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના બની હતી, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. હેલિકોપ્ટરે મુંબઈના જુહુથી હૈદરાબાદ તરફ ઉડાન ભરી હતી. આ દરમિયાન ખરાબ હવામાન અને ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર પુણેના પૌડ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જે હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હતું તે ખાનગી કંપની ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ્ટરનું હતું. આ હેલિકોપ્ટરનો ઉપયોગ ટૂંકા અંતરની મુસાફરી માટે થતો હતો.