26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે ભારત લાવવામાં આવશે: મુંબઈ અને દિલ્હી જેલમાં રાખવાની તૈયારીઓ
2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાને આજે ભારત લાવવામાં આવશે. અહેવાલો અનુસાર, તહવ્વુરના પ્રત્યાર્પણ માટે તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAW ની સંયુક્ત ટીમ અમેરિકામાં હાજર છે. પ્રત્યાર્પણ માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે.
સોમવારે યુએસ સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને રોકવા માટેની અરજીને ફગાવી દીધી હતી. તહવ્વુરે ભારત આવવાનું ટાળવા માટે અરજી દાખલ કરી હતી. પોતાની અરજીમાં, તેમણે પોતાને પાર્કિન્સન રોગથી પીડિત ગણાવ્યા હતા અને કહ્યું હતું કે જો તેમને ભારત દેશનિકાલ કરવામાં આવે તો તેમના પર ત્રાસ ગુજારવામાં આવી શકે છે.
તહવ્વુર રાણાની 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાણાને યુએસમાં લશ્કર-એ-તૈયબાને ટેકો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તે હાલમાં લોસ એન્જલસના એક ડિટેન્શન સેન્ટરમાં બંધ છે.
26 નવેમ્બર 2008 ના રોજ, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. આ હુમલાઓ ચાર દિવસ સુધી ચાલુ રહ્યા. આ હુમલામાં કુલ ૧૭૫ લોકો માર્યા ગયા હતા, જેમાં નવ હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે, અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.