600 પદની ભરતી માટે 25 હજાર બેરોજગારો ઉમટ્યા
ભરૂચ બાદ મુંબઇ એરપોર્ટ ઉપર વોક ઇન ઇન્ટરવ્યૂમાં અફરાતફરી: ઈન્ટરવ્યૂ પહેલા જ ધકકામુક્કિ
દેશમાં બેરોજગારીની સ્થિતિનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના ભરૂચ બાદ મુંબઈના કલિના વિસ્તારમાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિ. દ્વારા આયોજિત વોક-ઈન ઇન્ટરવ્યુમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતાં વ્યવસ્થા ખોરવાઈ હતી.
ઇન્ટરવ્યુ માટે પહેલા જવાની હોડમાં યુવાનોએ ધક્કામુક્કી કરતા અફરાતફરી મચી હતી. એરપોર્ટ લોડર્સ અર્થાત હેન્ડીમેન એરપોર્ટ પર જાળવણી અને સમારકામનું કામ કરે છે. જેના ફોર્મ કાઉન્ટર પર જ ફોર્મ લેવા પડાપડી થઈ હતી. અરજદારો કલાકો સુધી ભોજન અને પાણી વિના પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા.
એરપોર્ટ લોડર્સ પર 600 પદ માટે 25,000થી પણ વધુ અરજી થઈ હતી. આ પદનું પગાર ધોરણે 20,000-25,000 હતું. જો કે, ઓવરટાઈમ અલાઉન્સ સાથે રૂ. 30,000 પ્રતિ માસ છે. શૈક્ષણિક લાયકાત સામાન્ય હતી. બસ, ઉમેદવાર શારિરિક રીતે સક્ષમ હોવો જરૂૂરી હતો. બુલધાણા જિલ્લાનો પ્રથમેશ્વર હેન્ડીમેનના ઇન્ટરવ્યુ માટે 400 કિમી દૂરથી આવ્યો હતો. જેને રૂ. 22500નો પગાર ઓફર કરવામાં આવ્યો હતો. પ્રથમેશ્વર બીબીએનો વિદ્યાર્થી છે. જેને પાસે કોઈ રોજગાર ન હોવાથી તે આ પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આપવા આવ્યો હતો. તેણે સરકારને નોકરીની વધુ તકોનું સર્જન કરવા અપીલ કરી હતી.
એક બીએની ડિગ્રી ધરાવતો યુવાન જાણતો પણ ન હતો કે, હેન્ડીમેન શું કામ કરે છે, પરંતુ તેની પાસે કોઈ નોકરી ન હોવાથી તેને માત્ર કામ જોઈતું હતું. અન્ય એક ઉમેદવાર રાજસ્થાનના અલવરથી મુંબઈ આવ્યો હતો. જે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છે, તેનો પોતાનો ખર્ચો ઉઠાવવા માટે આ ઇન્ટરવ્યુ આપવા આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની ઘટના બની રહી છે. હાલમાં જ ગુજરાતના ભરૂૂચમાં અંક્લેશ્વર સ્થિત હોટલમાં નોકરી માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઇન્ટરવ્યુ માટે એકત્રિત ભીડમાં નાસભાગ મચી હતી.