મહાકુંભમાં નાશભાગમાં 20 લોકોના મોતની આશંકા, પ્રયાગરાજ આવતી બધી ખાસ ટ્રેનો રદ
મહાકુંભમાં મૌની અમાસના શાહી સ્નાન વખતે ભયંકર નાસભાગ મચી હતી. આમાં 20 લોકોના મોતની આશંકા છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘાયલોને મેળા વિસ્તારમાંથી સ્વરૂપ રાણી હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. આ નાસભાગની ઘટના બનવા પાછળનું કારણ બેરિકેડ તૂટી જવાનું જણાવાઈ રહ્યું છે જેના લીધે ઘટનાસ્થળે અફરા તફરી મચી ગઇ હતી.
https://x.com/reetu_shukl/status/1884434815241654768
ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને વહીવટી તંત્રએ ત્વરીત કાર્યવાહી કરતાં રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે પછી તૂટી ગયેલા બેરિકેડનું સમારકામ કરાવી મહાકુંભમાં ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી સાથે વાત કરી હતી. અખાડા પરિષદે ખાસ સાવચેતી રાખીને અમૃત સ્નાન રદ કર્યું છે.
મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ વહીવટીતંત્રે મોટો નિર્ણય લીધો છે અને પ્રયાગરાજ આવતી બધી ખાસ ટ્રેનો રદ કરી દીધી છે. રેલવે અધિકારી મનીષ કુમારે જણાવ્યું હતું કે આગામી આદેશ સુધી ખાસ ટ્રેનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. નિયમિત ટ્રેનો દોડતી રહેશે. ભારે ભીડને કારણે ખાસ ટ્રેનો બંધ કરવામાં આવી છે.
માહિતી અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે રાતે 2 વાગ્યે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઇ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઇ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા. તેણે કહ્યું કે ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઇ રહ્યું છે.
મૌની અમાસ પર સંગમ કિનારે સ્નાન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પોલીસ અને વહીવટી તંત્ર માટે આ ભીડને કાબૂમાં કરવી એ મોટો પડકાર બની ગયો હતો એટલા માટે જ બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ વધારે પડતી ભીડને કારણે સ્થિતિ બેકાબૂ થઇ ગઇ.
મહાકુંભમાં 'મૌની અમાવસ્યા' ના રોજ 'અમૃત સ્નાન' પહેલા નાસભાગ મચી ગઈ હતી. અહીં લગભગ 10 કરોડ યાત્રાળુઓ આવ્યા હતા. જોકે, ઘાયલો અને મૃતકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી પુષ્ટિ મળી નથી. મૌની અમાવસ્યા પર અમૃત સ્નાનએ મહાકુંભનો સૌથી મહત્વપૂર્ણ વિધિ છે. આ વર્ષે, 'ત્રિવેણી યોગ' નામનો એક દુર્લભ ખગોળીય સંરેખણ ૧૪૪ વર્ષ પછી થઈ રહ્યો છે, જે આ દિવસના આધ્યાત્મિક મહત્વને વધારે છે.