વંદે માતરમ્ના 150 વર્ષ: સંસદમાં પક્ષની લાઇનની ઉપરવટ જઇ કોઇએ નિર્ભેળ ચર્ચા ન કરી
લોકસભામાં વંદેમાતરમની રચનાને 150 વર્ષ પુર્ણ થયા એ નિમિતે ચર્ચા થઇ. વડાપ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને સપાના વડા અખિલેશ યાદવ તેમજ અન્ય સાંસદોના વકતવ્યોમાં સુર એ નીકળે છે કે સમગ્ર ચર્ચા રાજકીય- વિચારધારાથી પ્રેરાઇ હતી. પક્ષની લાઇનથી ઉપર ઉઠી રાષ્ટ્રીય એકતા, સંવાદિતા અને સહિષ્ણુતા જાળવવા અપીલ કરનારૂં કોઇ ન નીકળ્યું.
મોદી અને શાસક પક્ષની પાટલીઓ પરથી નેહરૂ અને કોંગ્રેસને દોષ દેવાના પ્રમાણમાં કોઇ કચાશ જોવા ન મળી, અલબત તેમણે તથ્યો ટાંકયા પણ મકસદ તો રાજકીય જ હતો. વિપક્ષી નેતાઓએ પણ કોંગ્રેસના નેહેરૂની જાણ્યો અજાણ્યે ભુલો ઢાંકવા પ્રયાસ કર્યો. મોદીએ પોતાના પ્રવચનમાં કહ્યું "જ્યારે વંદે માતરમને 100 વર્ષ પૂર્ણ થયા, ત્યારે રાષ્ટ્ર કટોકટી દ્વારા જકડાયેલું હતું. તે સમયે, બંધારણનું ગળું દબાવવામાં આવ્યું હતું અને દેશભક્તિ માટે જીવતા અને મૃત્યુ પામેલા લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા,"કટોકટી આપણા ઇતિહાસનો એક કાળો અધ્યાય હતો. હવે આપણી પાસે વંદે માતરમની મહાનતાને પુન:સ્થાપિત કરવાની તક છે. અને હું માનું છું કે આ તકને જવા દેવી જોઈએ નહીં," "આ મંત્રએ ભારતના સ્વતંત્રતા આંદોલનને ઉર્જા અને પ્રેરણા આપી હતી અને હિંમત અને દૃઢ નિશ્ચયનો માર્ગ બતાવ્યો હતો.
આજે તે પવિત્ર વંદે માતરમને યાદ કરવું એ આ ગૃહમાં આપણા બધા માટે એક મહાન સૌભાગ્ય છે. "આપણા માટે ગર્વની વાત છે કે આપણે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બની રહ્યા છીએ, પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે અંગ્રેજોએ કવિતાના છાપકામ અને પ્રચારને રોકવા માટે કાયદાઓ લાવ્યા હોવા છતાં, તેમને વંદે માતરમ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી હતી. "વંદે માતરમ એવા સમયે લખવામાં આવ્યું હતું જ્યારે, 1857ના બળવા પછી, બ્રિટિશ સરકાર ગભરાઈ ગઈ હતી અને વિવિધ પ્રકારના જુલમ ફેલાવી રહી હતી. બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની વારંવાર થતી ટીકાઓનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને સલાહ આપતા કહ્યું હતું કે, ભૂતકાળને કોસવાને બદલે આપણે વર્તમાનના સળગતા પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ. તેમણે પડકાર ફેંક્યો હતો કે નેહરુની ટીકાઓ પર એકવાર અને કાયમ માટે ચર્ચા કરી લો, જેથી ભવિષ્યમાં આપણે બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર વાત કરી શકીએ. પ્રિયંકા ગાંધીએ પોતાના સંબોધનમાં ઐતિહાસિક તથ્યો ટાંકીને વડાપ્રધાન મોદીની ટીકાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "વડાપ્રધાન મોદી છેલ્લા 12 વર્ષથી સત્તા પર છે. આ લગભગ એટલો જ સમયગાળો છે જેટલો સમય જવાહરલાલ નેહરુએ દેશની આઝાદીની લડાઈ દરમિયાન જેલના સળિયા પાછળ વિતાવ્યો હતો." તેમણે ઉમેર્યું કે આઝાદી બાદ નેહરુએ 17 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી અને દેશ માટે જ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા.