પંજાબના લુધિયાણામાં 100 વર્ષ જૂની ઈમારત તાજના પત્તાની જેમ થઇ ધરાશાયી, લોકો જીવ બચાવવા દોડ્યા, જુઓ વિડીયો
પંજાબના લુધિયાણામાં ગઈ કાલે અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્તારમાં આવેલી 100 વર્ષ જૂની ઈમારત ધરાશાયી થઈ ગઈ. લુધિયાણાના ચૌડા બજારના બાંડિયા મોહલ્લા વિસ્તારમાં બપોરે એક વર્ષો જૂની જર્જરિત ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. ઇમારત ધરાશાયી થતાં મોહલ્લામાં રહેતા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. જેનો દર્દનાક વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો. આ ઘટનામાં બે લોકોને ઈજા થઈ હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઈમારત લગભગ 100 વર્ષ જૂની છે અને તેની હાલત છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ હતી. નવાઈની વાત એ છે કે આ ઈમારત પાસેથી દરરોજ અનેક લોકો પસાર થાય છે. જો ભીડના સમયે મકાન ધરાશાયી થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. પાડોશીઓનો આરોપ છે કે બિલ્ડિંગના માલિકને ઘણી વખત આ વિશે જાણ કરવામાં આવી હતી, પરંતુ તેણે તેના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. આ અકસ્માતમાં પડોશમાં રહેતી ખુશી અરોરા ગંભીર રીતે ઘાયલ થઈ છે, જ્યારે તેના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
માહિતી મળતાની સાથે જ ડીવીઝન 4 પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કામદારોને બોલાવીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. એવી આશંકા છે કે બિલ્ડિંગના કાટમાળ નીચે ટુ-વ્હીલર્સને પણ નુકસાન થયું છે. બાકીના મકાન માલિક હજુ સ્થળ પર પહોંચ્યા નથી, તપાસ ચાલુ છે.
ઇમારત ધરાશાયી થતા આસપાસના મકાનો અને દુકાનોને પણ નુકસાન થયું હતું. ઇમારત ધરાશાયી થવાના અવાજથી લોકોને ભૂકંપ આવ્યો હોય તેવો અંદાજ લગાવી નાસભાગ કરવા લાગ્યા હતા. ચારેબાજુ ધૂળ-માટી અને કાટમાળ થઈ ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઇમારતનો માલિક ઘટનાની જાણ કરી હોવા છતાં ઘટનાસ્થળે પહોંચ્યો ન હતો. ઇમારતમાં હાજર લોકોને પણ ભૂકંપ આવ્યો હોય તેવી ધ્રુજારી અનુભવી હતી.
બિલ્ડિંગની પડોશમાં રહેતા પ્રિન્સ કુમારે જણાવ્યું કે તે બાંડિયા મોહલ્લામાં રહે છે. પડોશીઓનું મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. તેમને અનેકવાર ફરિયાદ કરી પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું. મંગળવારે તેની પત્ની ખુશી અને પુત્ર ઘરમાં હાજર હતા. બિલ્ડિંગ ધરાશાયી થતાંની સાથે જ તેમના ઘરની દિવાલ પણ તૂટી ગઈ હતી. તેના ઘરમાં ઘણો કાટમાળ આવી ગયો.
બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે ખુશીના માથા પર ઈંટ પડતા તેના માથામાં ઈજા થઈ હતી. સાથે જ દોઢ વર્ષના બાળકને પણ ઈજા થઈ હતી. પત્ની અને બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બિલ્ડિંગના માલિકને પણ જાણ કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત ખુશી અરોરાએ જણાવ્યું કે તે છેલ્લા બે વર્ષથી નવા મકાનમાં રહે છે. સોમવારની મોડી રાતથી પડોશીઓના મકાનમાં વિચિત્ર હલચલ જોવા મળી હતી. તેઓએ તેના માલિકને જાણ કરી હતી, પરંતુ તેણે તેને થોડીવારમાં આવવા કહ્યું હતું, પરંતુ તે ન આવ્યો અને મંગળવારે મકાન ધરાશાયી થયું.