10 ટકા વસતીનો સેનામાં કંટ્રોલ, રાહુલના નિવેદનથી ભારે બબાલ
500 ટોચની કંપનીઓમાં પણ એકપણ દલિત પછાત સમુદાયની વ્યક્તિ નથી
બિહારના કુટુમ્બામાં એક ચૂંટણી રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સૈન્ય વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતીય સેનામાં દેશની 10 ટકા વસ્તીનો કંન્ટ્રોલ છે. ભાજપે આ અંગે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતાએ તેમના ભાષણમાં ખેડૂતો, મજૂરો અને ગરીબોને અવગણવાનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો તમે ધ્યાનથી જોશો તો દેશની 90 ટકા વસ્તી દલિત, મહાદલિત, પછાત, અત્યંત પછાત અથવા લઘુમતી સમુદાયોની છે.
જો તમે 500 સૌથી મોટી કંપનીઓની યાદી જોશો તો તમને પછાત અથવા દલિત સમુદાયોમાંથી એક પણ વ્યક્તિ ત્યાં મળશે નહીં. તે બધા ટોચના 10 ટકામાંથી આવે છે. બધી નોકરીઓ તેમની પાસે જાય છે. સૈન્ય પર એ 10 ટકા લોકોનો કંન્ટ્રોલ છે. અન્ય 90 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ ક્યાંય મળશે નહીં.
ભાજપ નેતા પ્રદીપ ભંડારીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને ભારતીય સેના વિરોધી ગણાવ્યા હતા. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, રાહુલ ગાંધી હવે આપણા સશસ્ત્ર દળોને જાતિના આધારે વિભાજીત કરવા માંગે છે. ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના જાતિ, સંપ્રદાય કે વર્ગના આધારે નહીં પરંતુ રાષ્ટ્ર પ્રથમ માટે કાર્ય કરે છે. રાહુલ ગાંધી આપણા બહાદુર સશસ્ત્ર દળોને નફરત કરે છે. તેઓ ભારતીય સેના વિરોધી છે.
