મહારાષ્ટ્ર ધારાસભામાં 10% મરાઠા અનામતનો ખરડો પસાર
- સર્વસંમતીથી ખરડો પસાર થતાં રાજ્યમાં અનામત ટકાવારી વધી 72% થઇ
મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે 10 ટકા મરાઠા અનામતને મંજૂરી આપી છે. આજે મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રમાં એકનાથ શિંદે કેબિનેટ તરફથી આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ અંતર્ગત રાજ્યમાં હાજર 28 ટકા મરાઠા સમુદાયને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સમાન અનામત આપવાની દરખાસ્ત છે. છેલ્લા એક દાયકામાં આ ત્રીજી વખત છે જ્યારે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે આ પ્રકારનું બિલ મંજૂર કરવામાં આવ્યું છે.
આ પ્રસ્તાવ મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ આયોગની ભલામણના આધારે લાવવામાં આવ્યો છે. કમિશનના રિપોર્ટ અનુસાર રાજ્યમાં 28 ટકા વસ્તી મરાઠા સમુદાયની છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે મરાઠા સમુદાયના પછાત થવાના કેટલાક અસાધારણ કારણો છે. આવી સ્થિતિમાં, આ વર્ગને અનામત આપવા માટે જાતિ અનામતની 50 ટકા મર્યાદાને પાર કરી શકાય છે. મહારાષ્ટ્રમાં ઊઠજ ને પણ 10 ટકા આરક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ સહિત રાજ્યમાં અત્યાર સુધી 62 ટકા ક્વોટા આપવામાં આવી રહ્યો છે. આ રીતે જો મરાઠા આરક્ષણને પણ સામેલ કરવામાં આવતા કુલ અનામત કવોટા 72 ટકા થઈ જશે.
જે ભૂલોના આધારે સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણને ફગાવી દીધું હતું તેને ડ્રાફ્ટમાં દૂર કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે મરાઠા સમુદાય માટે અનામતને ટકાઉ અને કાયદાના દાયરામાં રાખવા માટે વિધાનસભાના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ઓબીસી અથવા અન્ય સમુદાયના આરક્ષણને નુકસાન પહોંચાડ્યા વિના મરાઠા સમુદાયને અનામત આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું છે કે અમે એવું આરક્ષણ આપીશું જે મનોજ જરાંગેને સ્વીકાર્ય હોય કે ન હોય પણ મરાઠાઓને સ્વીકાર્ય હોય.
મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે સોમવારે તમામ મરાઠા ધારાસભ્યોને સર્વસંમતિથી અનામતને સમર્થન આપવા અપીલ કરી હતી. જો સમાજના ધારાસભ્યો અનામતને લઈને અવાજ નહીં ઉઠાવે તો સમજાશે કે તેઓ મરાઠા વિરોધી છે. તેમણે કહ્યું કે અનામતમાં સંબંધીઓનો ઉલ્લેખ હોવો જોઈએ. જો તેનો અમલ નહીં થાય તો 21મી ફેબ્રુઆરીથી નવી રીતે આંદોલન શરૂૂ કરીશું.