જેડીયુના ધારાસભ્યોને તોડવા 10 કરોડની ઓફર: અપહરણની ફરિયાદ
બિહાર વિધાનસભામાં ભલે નીતિશ કુમારે વિશ્વાસ મત જીતી લીધો હોય, પરંતુ રાજકીય વર્તુળોમાં હજુ પણ ઉથલપાથલ ચાલુ છે. તાજેતરનો મામલો પટનાથી સામે આવ્યો છે. અહીંના કોતવાલી પોલીસ સ્ટેશનમાં જેડીયુ ધારાસભ્ય બીમા ભારતી અને દિલીપ રાયના અપહરણ માટે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
જેડીયુ ધારાસભ્ય બીમા ભારતી અને દિલીપ રાયના અપહરણની એફઆઇઆર જેડીયુ ધારાસભ્ય સુધાંશુ શેખરે નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે જેડીયુના ધારાસભ્ય ડો. સંજીવ અને કોન્ટ્રાક્ટર સુનિલ કુમાર રાયે તેજસ્વી યાદવના નજીકના વ્યક્તિઓએ મળીને બંને ધારાસભ્યોનું અપહરણ કર્યું છે.
સુધાંશુ શેખરે એફઆઇઆરમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે જેડીયુ ધારાસભ્યોને તોડવા માટે 10-10 કરોડ રૂૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. તેજસ્વીના નજીકના સુનીલ કુમારે આ ઓફર આપી હતી.
રાજગીરથી જેડીયુ ધારાસભ્ય કૌશલ કિશોરને પણ 5 કરોડ રૂૂપિયાની ઓફર મળી હતી, આરજેડી નેતા શક્તિ યાદવે તેમને ફોન કર્યો હતો. કૌશલ કિશોરે પોતે ફોન પર આ વાતની પુષ્ટિ કરી છે.