For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ અપહરણ-ખૂની હુમલા કેસમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ

11:43 AM Jun 06, 2024 IST | Bhumika
જૂનાગઢ અપહરણ ખૂની હુમલા કેસમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ
Advertisement

કાર સરખી ચલાવવા બાબતે થયેલી માથાકૂટ બાદ એન.એસ.યુ. આઈ. પ્રમુખનું અપહરણ કરી ગોંડલ ગણેશગઢમાં ગોંધી રાખી માર માર્યો : માફી મંગાવતો વીડિયો પણ બનાવ્યો : ગણેશ જાડેજા રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ

Advertisement

જૂનાગઢના દાતા રોડ ઉપર આર્યસમાજ પાસે રહેતા એનએસયુઆઈના પ્રમુખ અને કોરીયોગ્રાફર અનુસુચિત જાતિના યુવકનું સામાન્ય બાબતે કારમાં અપહરણ કરી ગોંડલ નજીગ ગણેશગઢમાં ગોંધી રાખી બે રહેમીથી મારમારી હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી માફી મગાવતો વીડિયો બનાવ્યા બાદ યુવકને જૂનાગઢ પાસે છોડી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ ઘટના બાદ ગોંડલ ધારાસભ્યના પુત્ર સહિતના શખ્સોની ધરપકડની માંગણી સાથે આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું અને ત્રણ શખ્સોની ધરપકડ કર્યા બાદ ગઈકાલે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરી આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જુનાગઢ દાતા રોડ પર રહેતા એનએસયુઆઈના પ્રમુખ અને કોરીયો ગ્રાફર સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી ઉ.વ.26એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને બીજા અજાણ્યા 10 શખ્સોના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા. 30-5-2024ના રાત્રીના 11:30 વાગ્યે ફરિયાદી બાઈક લઈ ઘરે જતો હતો ત્યારે આરોપીઓ ત્રણ કારમાં ધસી આવ્યા હતા અને કાળવા ચોકમાં ફુલઝડપે કાર ચલાવતા હોય ફરિયાદીએ વાહન વ્યવસ્થિત ચલાવતા હોવાનું કહેતા માથાકુટ થઈ હતી. ત્યાર બાદ ફરિયાદીનું ઘર પાસેથી કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું.

અનુસુચિત જાતિના યુવકનું જુનગઢમાંથી અપહરણ કરી ગોંડલ નજીક ગણેશગઢમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. ત્યાં નગ્ન કરી બે રહેમીથી માર માર્યો હતો અને પિસ્તોલ જેવું હથિયાર બતાવી માફી મંગાવતો વીડિયો ઉતારી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી બીજા દિવસે યુવકને જૂનાગઢ નજીક છોડી દીધો હતો.

આ બનાવ બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલામં ખસેડાયો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશીષ, રાયોટ, અપહરણ, એટ્રોસીટી અને આર્મસએક્ટ અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગઈકાલે અતુલ પ્રેમ સાગર કઠેરિયા, ફેઝલ ઉર્ફે પાવલી હુસેન પરમાર અને ઈકબાલ હારનભાઈ ગોગદાનની ધરપકડ કરી બે દિવસની રિમાન્ડ પર મેળવ્યા હતાં.

જૂનાગઢ અનુસુચિત સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્રનું અપહરણ કરી બે રહેમીથી મારમારવાના ચકચારી પ્રકરણમાં ગોંડલ ધારાસભ્યના પુત્રની સંડોવણી બહાર આવતા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને આરોપીઓની ધરપકડ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી આપતા ગઈકાલે રાત્રે જ ગોંડલ રહેતા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો અને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

જૂનાગઢના ચકચારી બનાવની તપાસ ચલાવતા ડીવાયએસપી જે.કે. ઝાલા રજા પર ઉતરી જતાં આ બનાવની તપાસ બીજા ડીવાયએસપીને સોંપવામાં આવી છે. ત્યારે ગુનામાં વપરાયેલ હથિયારો અને વાહનો કબ્જે કરવાની અને અન્ય આરોપીઓના નામ મેળવી તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચકચારી બનાવમાં કાવતરાની કલમનો ઉમેરો કરાયો

જૂનાગઢના એનએસયુઆઈના પ્રમુખ અનુસુચિત જાતિના યુવકનું અપહરણ કરી ગોંધી રાખી બે રહેમીથી માર મારવાના ચકચારી પ્રકરણમાં પોલીસે થોકબંધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે ત્યારે તપાસના અંતે આ બનાવમાં પોલીસે પૂર્વયોજીત કાવતરાની કલમ 120-બીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને કોર્ટને 120-બીની કલમ ઉમેરવા રિપોર્ટ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement