For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં મધરાત્રે લુખ્ખાઓનો આતંક, દુકાનો બંધ કરાવી

12:47 PM Apr 23, 2024 IST | Bhumika
રાજકોટમાં મધરાત્રે લુખ્ખાઓનો આતંક  દુકાનો બંધ કરાવી
  • ભેળના ધંધાર્થીને માર મારી લારીમાં કરી તોડફોડ : આવારા તત્ત્વોએ ધમાલ મચાવતા વેપારીઓએ ફટાફટ શટર પાડી દીધા : ખરીદી કરવા આવેલા કારચાલકને પણ છરીનો ઘા ઝીંકી દીધો

રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ સતર્ક બની છે અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને પાસા તળે ધકેલવામાં આવી રહ્યા છે તેમ છતાં પોલીસ પેટ્રોલિંગ વચ્ચે લુખ્ખા તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ ગઈકાલે જ્યુબિલી ચોક પાસે પરા બજારમાં મધરાત્રે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો અને ભેળના ધંધાર્થી ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરી ભેળની રેકડીમાં તોડફોડ કરી હતી અને ખાણીપીણીની દુકાનો બંધ કરાવી હતી. તે દરમિયાન લુખ્ખા તત્વોએ ખરીદી કરવા આવેલા કારચાલક ઉપર છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા ખાણીપીણીના ધંધાર્થી અને કાર ચાલકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા રાજકોટમાં મધરાત્રે લુખ્ખા તત્વોએ ધમાલ મચાવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ઢેબર રોડ ઉપર રહેતા વિમલભાઈ નાનાલાલ ભગદેવ નામના 46 વર્ષના પ્રૌઢ રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં જુબેલી ચોક પાસે પોતાની જલારામ ભેળ નામની રેકડીએ હતા ત્યારે આરીફ અને આશિષ સહિતના શખ્સો ધસી આવ્યા હતા અને વિમલભાઈ ભગદેવ સાથે ઝઘડો કરી લોખંડના સળિયા વડે ખાણીપીણીની લારીમાં તોડફોડ કરી હતી તે દરમિયાન વચ્ચે પડેલા પાણી પીણીના ધંધાર્થી વિમલભાઈ ભગદેવને લુખ્ખા શખ્સોએ હાથમાં લોખંડનો સળીયો મારી દીધો હતો. વિમલભાઈ ભગદેવને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં વિમલભાઈ ભગદેવ છેલ્લા 50 વર્ષથી જ્યુબિલી ચોક પાસે પરા બજારમાં જલારામ ભેળ નામે રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને ગત રાત્રે આરીફ અને આશિષ સહિતના શખ્સો ધસી આવ્યા હતા અને ઝઘડો કરી તોડફોડ કરી હતી અને ધમાલમાં મચાવી હતી એટલું જ નહીં પણ લુખ્ખા તત્વોએ આતંક મચાવી આજુબાજુમાં રહેલ ખાણીપીણીની દુકાનો બંધ કરાવી હતી અને લુખ્ખા તત્વોએ ધમાલમાં ચલાવતા ખાણીપાણીના ધંધાર્થીઓ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક દુકાનોના શટર પાડી દીધા હતા. લુખ્ખાઓના આતંક વચ્ચે જામનગર રોડ ઉપર આવેલા સ્લમ ક્વાર્ટરમાં રહેતા પ્રશાંત ઠાકોરભાઈ વાળા નામનો 24 વર્ષનો યુવાન પોતાના પિતરાઈ ભાઈ સહિત ચાર વ્યક્તિ સાથે કાર લઈને પરા બજારમાં કેરી લેવા માટે આવ્યો હતો.

અને જે ધમાલ મચતા તે પણ ઘરે જવા રવાના થયો હતો તે દરમિયાન બાઈક સાઈડમાં લેવાનું કહેતા લુખ્ખા તત્વોએ પ્રશાંત વાળા ઉપર પણ છરી વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રશાંત વાળાને પણ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. લુખ્ખા તત્વોએ મધરાત્રે પરા બજારમાં ખાણીપીણીની દુકાનો બંધ કરાવી ધમાલ મચાવતા સન્નાટો મચી ગયો હતો. આ ઘટના અંગે જાણ થતા તાત્કાલિક એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે લુખ્ખા તત્વો પલાયન થઈ ગયા હતા પોલીસે મધરાત્રે આંતક મચાવી વેપારી પ્રૌઢ અને કાર ચાલક ઉપર હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

ચૂંટણી સમયે ક્રાઈમનો ગ્રાહ ઉછળ્યો
રાજકોટમાં ચૂંટણી સમયે ગેરકાયદે પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા પોલીસ કમર કસી રહી છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો ઉપર વોચ રાખી રહી છે. ત્યારે લુખ્ખા તત્વો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ દિન પ્રતિદિન ચોરી, મારા મારી સહિતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ચૂંટણી સમયે ક્રાઈમનો ગ્રાફ ઉછળતા લોકો અને તંત્રમાં ચિંતા પ્રસરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement