For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેપારીઓ મહાનગરપાલિકામાં, શાસકો ગાંધીનગર ભણી

03:48 PM Jun 11, 2024 IST | admin
વેપારીઓ મહાનગરપાલિકામાં  શાસકો ગાંધીનગર ભણી
Advertisement

સીલિંગ ઝુંબેશમાં અતિરેક, હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરો સહિતના મુદ્દેે મુખ્યમંત્રી સમક્ષ શહેર ભાજપના હોદ્ેદારો અને મનપાના પદાધિકારીઓની રજૂઆત

રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ શહેરમાં શરૂ કરાયેલી આડેધડ સિલિંગ ઝુંબેશના કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને ભાજપ સંગઠનના હોદેદારો ગાંધીનગર દોડી ગયા છે અને અગ્નિકાંડની આ આગ નિર્દોષ લોકોને પણ દઝાડી રહી હોય, અધિકારીઓ ઉપર ‘લગામ’ નાખવા તથા સિલિંગ ઝુંબેશમાં વ્યવહારૂ અભિગમ અપનાવવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી સુકા પાછળ લીલુ બળી રહ્યાની ‘વરાળ’ ઠલાવી હતી. આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં શહેરની વિવિધ સંસ્થાઓ-મંડળોએ સિલિંગ ઝુંબેશના અતિરેક સામે મહાનગરપાલિકામાં હલ્લાબોલ કર્યુ હતુ જ્યારે મહાનગરપાલિકાના પદાધિકારીઓ મુખ્યમંત્રીના દરબારમાં પહોંચ્યા હતા.

Advertisement

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 બાદ પ્રથમ વખત રાજકોટના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તથા રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે સહિતનું પ્રતિનિધિ મંડળ આજ તા.11/06/2024ના રોજ બપોરબાદ 04:00 કલાકે રાજકોટ શહેરના વિવિધ પ્રશ્નો/રજુઆતો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લેવા પહોંચ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની આ મુલાકાતમાં રાજકોટ શહેરમાં બનેલ ટી.આર.પી.ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સુચના અન્વયે શહેરમાં આવેલ અલગ અલગ કેટેગરીની મિલકતો જેમાં, શાળા-કોલેજ, હોસ્ટેલ, ટ્યુશન કલાસીસ, હોસ્પિટલો, જ્ઞાતિ/સમાજની વાડીઓ તેમજ જાહેર જનતા એકત્ર થતી હોય તેવી ખાનગી/જાહેર મિલકતમાં બિલ્ડીંગ મંજુર પ્લાન, બિલ્ડીંગ વપરાશ પરમીશન પ્રમાણપત્ર, ફાયર એન.ઓ.સી. વગેરેની ચકાસણી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવેલ છે. શહેરના સંબંધિત મિલકતધારકો તથા વેપારી એસોસિએશન્સ તરફથી અત્રે રજુઆતો મળેલ છે જે અંગે ચર્ચા વિચારણા કરવા/માર્ગદર્શન મેળવવા, રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ પર અધિકારીની નિમણૂંક/ભરતી કરવા તેમજ રાજકોટ શહેરમાં દુધસાગર રોડ, ડેરીલેન્ડ ક્વાર્ટર્સ આકાશદીપ સોસાયટી ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે 50 વર્ષ જુના ત્રણ માળીયા ક્વાર્ટર્સ આવેલ છે. જેના 696 જેટલા ક્વાર્ટર્સ સંપૂર્ણ ભયગ્રસ્ત અને જર્જરિત હાલતમાં હોઈ, જે ક્વાર્ટર્સ ખાલી કરવા સંબંધિત મિલકતધારકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વખતોવખત નોટીસ પાઠવવામાં આવેલ છે. સદરહુ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવારનવાર પત્ર વ્યવહાર કરી, ગુજરાત હાઉસિંગ બોર્ડને પણ અવગત કરવામાં આવેલ છે. આ ક્વાર્ટર્સધારકો તરફથી રાજકોટ મહાનગરપાલિકાને અલગ અલગ રજુઆતો મળેલ છે. આમ, રાજકોટ મહાનગરપાલિકા લગત જુદા જુદા પ્રશ્નો તથા હાઉસિંગ બોર્ડને લગત પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ પ્રતિનિધિ મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

પાપના ભાગીદારોના નામ પણ સરકારમાં રજૂ કરો

રાજકોટ મહાનગરપાલિકાનાં શાસકો આજે મુખ્યમંત્રી સમક્ષ રજુઆતો માટે દોડી ગયા છે. ત્યારે 27 નિર્દોષ લોકોને જીવતા ભરખી જનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પાપમાં ભાગીદાર નેતાઓનો ભાંડો પણ ફોડે તે જરૂરી છે. ટી.પી.ના અધિકારીઓ સાથે ભાગબટાઇ કરી ગેરકાયદે બાંધકામોના ગોરખધંધા કરતા નેતાઓ-નગરસેવકો અને પદાધિકારીઓના નામ જોગ મુખ્યમંત્રી સમક્ષ રજુઆતો કરે તે જરૂરી છે. શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમોની જમીનોની કપાતમાં અધિકારીઓ સાથે મળી કાળા-ધોળા કરતા ભાજપના જ હાલના, પૂર્વ પદાધિકારીઓ તેમજ નેતાઓના નામો મુખ્યમંત્રી સમક્ષ જાહેર કરે તે જરૂરી છે. મહાનગરપાલિકાના શાસકો રાજકોટવાસીઓના હિતમાં પાપીઓના નામ જોગ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરે અને સરકાર આંખ મિચામણા કરવાના બદલે જવાબદારો સામે દાખલારૂપ પગલા ભરે તે જરૂરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement