For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માંડવી શહેર કોલેરાગ્રસ્ત જાહેર

12:22 PM Jun 28, 2024 IST | admin
માંડવી શહેર કોલેરાગ્રસ્ત જાહેર
Advertisement

પાણીની લાઇનમાં ગંદાપાણી ભળી જતા ઝાડા-ઊલટીનો રોગચાળો

કોરોનાના કકળાટ પછી ગત વર્ષે બિપોરજોયે તાલુકાના જીવ અદ્ધર કરી દીધા તેમાંથી માંડ કળ વળે ત્યાં અપૂર્વ રીતે સમગ્ર શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાતાં જનતાને ધ્રાસકો પડયો છે તેની સમાંતરે ગઈકાલે નગર સેવા સદન તંત્રે લોહાર ચોક પાસેના રામ મંદિર નજીક ગંદાં પાણીની ભેળસેળવાળા પેયજળને વહન કરતી લાઈનો ફોલ્ટ પોઈન્ટ શોધી અને લાઈન બંધ કરી દીધી હોવાનો દાવો કરાયો હતો.

Advertisement

ગરબી ચોક વિસ્તારમાંથી જૂના સ્વામિનારાયણ મંદિર, હવેલી ચોક, ખુની ચકલો વગેરે વિસ્તારને પાણીનો પુરવઠો પુરો પાડતી 18 ઈંચનો વ્યાસ ધરાવતી એ મુખ્ય લાઈન લોખંડના બંધિયા વડે બંધ કરીને સિમેન્ટ વડે સુરક્ષિત કરાઈ છે. એ સિવાયના શંકાસ્પદ એરિયા સેન્ટ્રલ બેંક પાસે ફોલ્ટ શોધવાનું અભિયાન જારી રખાયું છે. સમાંતરે માંડવી-મસ્કા વચ્ચે રહેણાક વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં ગટરલાઈન વ્યવસ્થા નહીં હોવાથી ગંધાતું પાણી ગંદુ જળાશય બિહામણા રોગચાળા વેળાએ જનઆરોગ્ય સામે ખતરાની ઘંટી હોવાનું જાગૃતોએ ભવાં ચડાવતાં દર્શાવ્યું હતું. દરમ્યાન કોલેરા નિયંત્રણ અધિકારી અને મામલતદાર વિનોદભાઈ ગોકલાણીએ પરિસ્થિતિ કાબુમાં હોવાનો સધિયારો આપતાં તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

પાલિકાના ઓ. એસ. ચેતનભાઈ જોશી, પાણી પુરવઠા વિભાગના રાજેશ ગોરે લોહાર ચકલા પાસે મુખ્ય લાઈન પસાર થાય છે ત્યાં મોટી ક્ષતિ શોધી શકાઈ હોવાનો દાવો કરીને શંકાના દાયરામાં આવતા અન્ય વિસ્તારો ઉપર ફોલ્ટ શોધ જારી હોવાનું કહેતા સુપર કલોરીનેશન કામગીરી તેજ બનાવાઈ હોવાનું જણાવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે જ્યાંથી પોઝીટીવ કેસ મળી આવ્યા છે અને ઝાડા ઉલ્ટીના કેસો પાધરા થયા છે એવો વિસ્તાર ગરીબ, રંક આબાદીનો છે.

આરોગ્ય કમિશનર દોડી આવ્યા
માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાતાં તકેદારી લેવા રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદભાઇ પટેલ સ્થાનિકે દોડી આવ્યા હતા. સરકારી હોસ્પિટલની મુલાકાત લઇ અને સાવચેતીનાં પગલાં લેવા તથા ઝાડા-ઊલટીના કેસોને નિયંત્રણમાં લાવવા અને વધે તો શું શું તૈયારી રાખવી જે અંગે તંત્રને વાકેફ કર્યા હતા. સરકારી હોસ્પિટલમાં આવેલા દર્દીઓ તથા દાખલ થયેલા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા, તે અંગે સ્થિતિ જાણી હતી. તેમજ પૂર્વે મામલતદાર ઓફિસમાં પણ આરોગ્ય વિભાગની ટીમ, મામલતદાર, સુધરાઇની ટીમ અને તંત્ર વચ્ચે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યાં હતાં તેમણે જણાવેલ કે, ઝાડા-ઉલ્ટીના કુલ 78 કેસો નોંધાયા છે, જેમાંથી માત્ર એક કેસ કોલેરાગ્રસ્ત નોંધાયો છે. સ્થિતિને નિયંત્રણમાં લાવવા આરોગ્યની 25ટીમ કાર્યરત છે

Advertisement
Tags :
Advertisement
Advertisement