For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા પોલીસ દ્વારા શુક્રવારે લોકદરબાર

04:50 PM Jun 26, 2024 IST | admin
વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા પોલીસ દ્વારા શુક્રવારે લોકદરબાર
Advertisement

વ્યાજખોરો સામેની ફરિયાદનું સ્થળ ઉપર નિરાકરણ કરાશે, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના તમામ અધિકારીઓ અરજદારો સાથે કરશે જાહેર ચર્ચા

રાજકોટમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા ફરી એક વખત લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના અધ્યક્ષ સ્થાને તા.28 જુને શુક્રવારે હેમુ ગઢવી હોલ ખાતે સાંજે 4 થી 5 સુધી તમામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા સ્થળ ઉપર અરજી લેવામાં આવશે અને સાંજે 5 વાગે પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓની હાજરીમાં અરજદારો સાથે જાહેર ચર્ચા કરવામાં આવશે.
શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદની બદી નાબુદ કરવા યોજાનાર જનસંપર્ક સભામાં પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના અધ્યક્ષ સ્થાને,અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા સાહેબ તથા ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા,ડીસીપી (ટ્રાફીક) પુજા યાદવ તેમજ શહેરના તમામ એસીપી તેમજ તમામ પોલીસ સ્ટેશનના તમામ પી.આઈ ખાસ હાજર રહેશે. આ જનસંપર્ક સભા માં વ્યાજંકવાદને લગતી સમસ્યાઓનુ નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજંકવાદ સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટમાં રહેતા ઘણા નાગરિકો આર્થીક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂૂપિયા લેતા હોય છે જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂૂપિયા આપતા હોય છે અને બાદ ભોગબનનાર વ્યકિત તે ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી પ્રવૃતિ આચરનાર વ્યાજખોરો દ્વારા ભોગબનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને જેના પરીણામે ભોગબનનાર તથા તેના કુટુંબીજનોની પાયમાલી સર્જાતી હોય છે.વ્યાજની બદી જે એક વ્યકિતને નહીં પરંતુ એક પુરા કુટુંબને અસર કરે છે.
જનસંપર્ક સભામાં વ્યાજંકવાદને લગતી કોઇ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો સીધા આ જનસંપર્ક સભામાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે તેમજ અગાઉ રાજકોટ શહેરના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ કમિશ્નરની કચેરીએ અરજી કરેલ હોય અને તેમાં પોલીસે કરેલ કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા નાગરિકો પણ આ જનસંપર્ક સભા માં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે,નાગરિકોની કોઇ પણ ફરીયાદ અરજીનો સ્થળ પર નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement