લોહાનગર વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર
કોલેરાના બે કેસ આવ્યા બાદ કલેક્ટરના જાહેરનામા સંદર્ભે મનપાના આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી
ચોમાસાની શરૂઆત થતા જ પાણી જન્ય રોગચાળાએ માથુઉચક્યું છે. ઝાળા-ઉલટીના કેસમાં સતત વધારો થયા બાદ લોહાનગરમાં કોલેરાનો એક કેસ આવ્યા બાદ એક સપ્તાહમાં બીજો કેસ આવતા સરકારના એસઓપી મુજબ કલેક્ટરે જાહેરનામું બાહર પાડતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોહનગર રેલવે ક્રોસિંગ પાસે ગોંડલ રોડ વિસ્તાર તથા આજુબાજુના 2 કી.મી. વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી આરોગ્યલક્ષી કામગીરી પૂરજોશથી શરૂ કરવામાં આવી છે.
રાજકોટમાં અંતે કોલેરાએ પગ પેસારો કર્યો છે. લોહાનગર રેલવે ક્રોસિંગ પાસે છ વર્ષના બાળક કોલેરા ગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જે સ્વસ્થ થઇ જતા હાલ રજા આપવામાં આવી હતી અને તુંરત બીજો કેસ આવતા આરોગ્ય વિભાગ દોઢતું થઇ ગયુ હતું. તેમજ સરકારે પણ તાત્કાલીક ધોરણે પગલા લઇ જાહેરનામું પ્રસિદ્ધ કરી લોહાનગરના 2 કી.મી વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી આરોગ્ય વિભાગે સ્થાનિકોને કોલેરા સબંધિત નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે.
શહેરમાં લોહાનગરમાં એક બાળકને કોલેરા થયા બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ચકાસણી શરૂ કરવામાં આવી હતી અને લોકોને આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા તથા સ્વસ્છતા રાખવા જમતા પહેલા સાબુથી હાથ ધોવા તેમજ ક્લોરીન ટેબ્લેટનો ઉપયોગ કરવા આઇઇસી પ્રવૃત્તિ કરવામાં આવેલ છે. સર્વે દરમ્યાન પીવાના પાણીના પત્રોની સફાઈ કરવા માટે સુચના આપવામાં આવેલ છે. વિસ્તારમાં મોબાઈલ મેડિકલ વાન દ્વારા દૈનિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તેમજ સાફ-સફાઈ માટે આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવેલ છે. કોલેરા બેક્ટેરિયાથી થતી બીમારી છે. તે વિબ્રિયો કોલેરી જીવાણુના કારણે થાય છે, જે દૂષિત પાણીના કારણે ફેલાય છે. કોલેરા એક ચેપી રોગ છે જેમાં દર્દીને ઉલ્ટી અને ઝાડા થાય છે. પાણી અને પોષણના અભાવે ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઇ શકે છે. ત્યાં સુધી કે યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઇ શકે છે. કોલેરા બેક્ટેરિયા મુખ્યત્વે ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે. આવી સ્થિતિમાં, તમારે ખાસ કરીને ખોરાક અને પીવાના પાણીને સ્વચ્છ રાખવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
બરફ અને ખાદ્યાપદાર્થો અંગે માર્ગદર્શિકા જાહેર
લોહાનગર વિસ્તારને કલેક્ટર દ્વારા કોલેરા ગ્રસ્ત જાહેર કર્યા બાદ માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. જેમાં બરફના કારખાનેદારોએ પીવા લાયક પાણી વાપરવું તેમજ ખાદ્યાપદાર્થ બનાવવા માટે બરફનો સીધો ઉપયોગ ન કરવો દુષિત પાણી હોય તો તેનો ઉપયોગ ન કરવો તેમજ પીવાનું પાણી ક્લોરીનેશન કર્યા બાદ ઉપયોગમાં લેવું અને ખાદ્યાપદાર્થે ખુલ્લા ન રાખવા તેમજ શાકભાજી, ફળનું ટૂકડા કરી વેંચાણ ન કરવું અને કરવું તથા પેપર ડીસ અને ડીસ્પોઝીબલ ગ્લાસ અને ભોજનાલય સ્થળોએ સ્વચ્છતાના ધોરણો જાળવવા સહિતની સૂચના આપવામાં આવી છે.
કોલેરાને અટકાવવાના ઉપાયો
આપની આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. જે લોકોને કોલેરા થયો તે લોકોએ ખાવા-પીવાની આદતમાં ફેરફાર કરીને તો કેટલાક ઘરગથ્થુ ઉપચારથી થઈ શકે છે. કાકડીના પાન, નારિયેળ પાણી, લીંબુ, છાશ, આદુ, ફુદીનાનો રસ, હળદર, મેથીના દાણા વગેરેનું સેવન ફાયદાકારક બની શકે છે. જો તમે કોલેરાથી અસરગ્રસ્ત જગ્યાએ રહેતા હોવ અથવા આવી જગ્યાએ મુસાફરી કરી રહ્યા હોવ, તો આ બાબતોનું પાલન કરો: ખાદ્ય ચીજોને સ્પર્શતા પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુ અને પાણીથી હાથ ધોવા. માત્ર ઉકાળેલું, શુદ્ધ કરેલું બોટલનું પાણી પીવો. જેમાંથી રસ ટપકતો હોય તેવા ફળ જેમ કે દ્રાક્ષ અને બેરી લેવાનું ટાળો. સુશી અને શેલફિશ જેવા કાચા અથવા ઓછા રાંધેલા સીફૂડ લેવાનું ટાળો.