અંજારના રામપર ગામે યુવાનની હત્યા
અંજાર તાલુકાના રામપર ગામમાં વાહન ચલાવવા બાબતે ઠપકો આપતાં સાલેમામદ દાઉદ બાપડા (ઉ.વ. 33) નામના યુવાન ઉપર બે શખ્સે છરી વડે હુમલો કર્યો હતો, જેમાં ઘવાયેલા આ યુવાને સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે બંને આરોપીને પકડી પાડીને જેલ હવાલે કર્યા હતા. રામપરમાં પ્રાથમિક શાળાની બાજુમાં રહી અને ગામના રોડ પાસે રિઝવાન સ્ટોર નામની દુકાન ચલાવનારા સાલેમામદ બાપડાની હત્યા નીપજાવવામાં આવી હતી. સંયુક્ત કુટુંબમાં રહી દુકાન ચલાવનાર આ પરિણીત યુવાન ગત તા. 2/2ના સાંજના ભાગે પોતાની દુકાને હતો.
દરમ્યાન, ગામનો મોસીન ઉર્ફે કારો ઇસ્માઇલ સોઢા નામનો શખ્સ બાઇક લઇને પૂરઝડપે અહીંથી નીકળ્યો હતો. સાલેમામદની દુકાન પાસે બાળકો રમતા હોવાથી તેણે મોસીનને મોટરસાઇકલ ધીમું ચલાવ તું કોઇ છોકરાને વગાડી દઇશ તેવો ઠપકો આપ્યો હતો, તેવામાં આ શખ્સ અહીંથી જતો રહ્યો હતો. અને થોડીવાર બાદ ફરીથી પૂરઝડપે બાઇક લઇને ત્યાં આવ્યો હતો અને ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યો હતો, જેની આ યુવાને ના પાડતાં આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો. આરોપીએ છરી કાઢી યુવાનને મારવા દોડયો હતો.
આ વેળાએ મોસીન સાથે આવેલા અનવર અબ્બાસ આરબે ફરિયાદી યુવાનને પકડી રાખ્યો હતો, તેવામાં મોસીને ફરિયાદી યુવાનની છાતીમાં ડાબી બાજુ છરી ભોંકી દીધી હતી. દરમ્યાન, ફરિયાદીનો ભાઇ કાદર દાઉદ બાપડા પોતાના ભાઇને બચાવવા વચ્ચે પડતાં આ શખ્સોએ તેને પણ કપાળ, માથાંમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. રાડારાડનાં પગલે યુવાનના પરિવારજનો તથા ગામના લોકો ભેગા થતાં આ શખ્સો નાસી ગયા હતા. ઘવાયેલા બંને ભાઇને સારવાર અર્થે પ્રથમ આદિપુર અને બાદમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ફરિયાદી યુવાન સાલેમામદે પોલીસને ફરિયાદ નોંધાવી હતી.
બાદમાં આ યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી બંને આરોપી મોસીન તથા અનવર આરબને પકડી પાડયો હતો. આ શખ્સો પાસેથી લોહીવાળાં કપડાં, છરી વગેરે મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું.