ભચાઉના શિકરા ગામે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ શ્રમિકની હત્યા
ભચાઉ તાલુકાના શિકરા ગામ નજીક આવેલી ગુડલક મેટાલીક કંપનીની શ્રમીક વસાહતમાં સામાન્ય મુદે્ બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સે શ્રમિક એવા સરવનસિંહ ઇતવારસિંહ ગૌતા (ઉ.વ. 27) ઉપર પાઇપ વડે મરણતોલ હુમલો કરતા આ યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડયો હતો. શિકરાની સીમમાં આવેલ ગુડલક મેટાલિક નામની કંપનીમાં ગત મોડી રાત્રે હત્યાનો આ બનાવ બન્યો હતો.
છેલ્લા બે-ત્રણ વર્ષથી સરવનસિંહ આ કંપનીમાં કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. ત્રણ ચાર મહિના પહલાં જ તેના લગ્ન થયા હતા.
કંપનીના રૂૂમ નંબર 10માં આ યુવાન તથા આરોપી મૂળ મધ્ય પ્રદેશનો રાજકુમાર ભોલા સહિત પાંચ શ્રમિકો સાથે રહેતા હતા. બનાવના ફરિયાદી વિજયસિંહ ગૌણ ગઇકાલે રાત્રે સુતો હતો ત્યારે તેનો કૌટુંબીક ભત્રીજો એવો સરવનસિંહ અને રાજકુમાર બહારથી ઝઘડતા ઝઘડતા પોતાની રૂૂમ ઉપર આવ્યા હતા. જેનો અવાજ સાંભળીને ફરિયાદી જાગી ગયો હતો. અને આ બંનેને શાંત પાડી છૂટા કર્યા હતા. બાદમાં ફરિયાદી સુઇ ગયો હતો. તેવામાં અડધા પોણા કલાક બાદ ફરીથી બંને વચ્ચે બોલાચાલી ઝઘડો શરૂૂ થયો હતો.
જેમાં ઉશ્કેરાયેલા રાજકુમારે લોખંડનો પાઇપ ઉપાડી યુવાનના માથમાં મરણતોલ ફટકા માયા હતા તે નીચે પડયા બાદ પણ તેના ઉપર હુમલો કર્યો હતો. સુઇ રહેલા ફરિયાદી જાગી જતાં અને બનાવવાળી જગ્યાએ જતાં તેમનો ભત્રીજો લોહી નીકળતી હાલતમાં નીચે પડયો હતો. આ યુવાનને સારવાર અર્થે લઇ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાનો આ બનાવ પ્રકાશમાં આવતા પોલીસમાં દોડધામ થઇ પડી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરીને આરોપી રાજકુમારને પકડી પાડયો હતો તેની પાસેથી લોખંડનો પાઇપ, તેના કપડા વગેરે જપ્ત કરાયા હોવાનું પી.આઇ. જાડેજાએ જણાવ્યું હતું. સામાન્ય મુદે્ યુવાનની હત્યાના પગલે ભારે ચકચાર પ્રસરી હતી.