મહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી
મુળ સુરેન્દ્રનગરની યુવતી અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી : હત્યા કરી પ્રેમી પોલીસ મથકે હાજર થઇ ગયો
અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મુળ સુરેન્દ્રનગરનાં વતની અરુણાબેન નટુભાઈ જાદવ (ઉંમર 25)ની શુક્રવારે મોડી રાત્રે પ્રેમી દ્વારા ગળું દબાવી હત્યા કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પારિવારિક ઝઘડાને લઇને નજીવી બાબતે માથાકૂટ થતાં પ્રેમીએ આવેશમાં આવી ગળું દબાવી દીધું હતું. ત્યારે તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. આરોપી દિલીપ ડાંગચીયા સીઆરપીએફ જવાન તરીકે મણિપુરમાં ફરજ બજાવે છે. આ ઘટનાના પગલે પોલીસ બેડામાં અને પંથકમાં ચકચાર મચી ગઈ છે આ ઘટનામા પ્રેમીકાની હત્યા કર્યા બાદ પ્રેમી દિલીપ પોલીસ મથકે હાજર થઇ ગયો હોવાનુ જાણવા મળી રહયુ છે. તેમજ મૃતકનાં પરીવારજનોને જાણ કરતા પરીવારજનો દ્વારા દિલીપ ડાંગચીયા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામા આવી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડા ગામના વતની હતા અને તેઓ અંજારની ગંગોત્રી સોસાયટી-2માં રહેતા હતા. શુક્રવારે મોડી રાત્રે અરુણાબેન અને તેમના પ્રેમી દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈક બાબતને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં દિલીપે પિત્તો ગુમાવીને અરુણાબેનનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ દિલીપ ડાંગચીયા પોતે અંજાર પોલીસ મથકે હાજર થયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો અનુસાર, અરુણાબેન અને દિલીપ લાંબા સમયથી પ્રેમસંબંધમાં હતા અને ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના હતા. આ ઘટના અંગે વધુ વિગતો ટૂંક સમયમાં બહાર આવશે તેમ અંજાર પોલીસે જણાવ્યું હતું.