કચ્છના જડોદરમાં ગણેશ પંડાલમાં પથ્થરમારા પ્રકરણમાં મદ્રેસામાંથી હથિયારો મળ્યા
ઘટનામાં ઝડપાયેલ મૌલાના બે દિવસના રિમાન્ડ ઉપર, મદ્રેસામાં તપાસ કરતા પુસ્તકો અને હથિયાર કબજે
નખત્રાણા તાલુકાના જડોદર(કો)માં મંગળવારે ગણપતિના પંડાલ પર પથ્થરો ફેંકી મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી અને મંદિર પર લીલા રંગનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો જે મામલે પોલીસે આરોપી મૌલાના અને ચાર સગીરો સહીત આઠ ઈસમોની ધરપકડ કર્યા બાદ મદ્રેસામાં ઝડતી કરતા કબાટમાં રાખેલ પુસ્તકો સાથે તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. જડોદર ગામમાં ધાર્મિક લાગણી દુભાવવાના ઈરાદે મંગળવારે ગણપતિના પંડાલ પર પથ્થરો ફેંકી મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી.
જે બાદ હરકતમાં આવેલી પોલીસે કાવતરું રચી બનાવને અંજામ આપનાર આઠેય આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં જડોદર ગામના મદ્રેસામાં રહેતા આરોપી મૌલાના ગુલામ હુસેન જાફર લુહારની ધરપકડ કરી બે દિવસના રીમાન્ડ ઉપર પુછપચ્છ શરૂ કરી છે પોલીસે તેના રહેણાંક એવા મદ્રેસામાં તપાસ કરી ત્યારે આરોપી મૌલાનાના બન્ને રૂમને તાળું લગાવેલું હતું.પરંતુ બાજુમાં જ આવેલ બાળકોને મુસ્લિમ શિક્ષણ ભણાવવા માટે ઉપયોગમાં લેવાતો રૂમ ખુલ્લો દેખાયો હતો. જેથી પોલીસે રૂમની અંદર તપાસ કરતા એક કબાટમાં કેટલાક પુસ્તકો દેખાયા હતા.અને તેની સાથે લાકડાના હાથાવાળો છરો મળી આવ્યો હતો. ત્યારબાદ એજ રૂમમાંથી એક છરી અને વધુ એક છરો પણ મળી આવ્યા હતા.બાળકોને જે જગ્યાએ ભણાવવામાં આવતા હોય તે સ્થળેથી મળેલા ત્રણ તીક્ષ્ણ હથીયારો પોલીસે કબ્જે કરી આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.