કચ્છમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી નીલગીરી અને લીમડાના લાકડાં ભરીને જતી બે ટ્રક ઝડપાઇ
વાગડમાં ગાંડા બાવળની આડમાં અન્ય વૃક્ષોની કતલ કરાતી હોવાની ફરિયાદો બાદ તંત્રએ કાર્યવાહી કરી 2 ગાડીને ઝડપી પાડી હતી. રાપર દક્ષિણ રેન્જના વનતંત્રના તાબાના અધિકારી/કર્મચારીઓ દ્વારા રાત્રિ પેટ્રોલીંગની કામગીરી દરમિયાન લીમડા, નીલગીરી અને ગાંડો બાવળાના લાકડા વગર પાસ પરમીટે વાહતુક કરતી 2 ગાડીની અટક કરી ગુન્હો નોંધી કાર્યવાહી કરાઇ હતી.
રાપર પંથકમાં થતી ગેરકાયદેસર લીલા ઝાડના લાકડાની તસ્કરીની ફરિયાદો વચ્ચે દક્ષિણ રેન્જ વન તંત્રને બુધવારે રાત્રે રાપર તાલુકાના ચિત્રોડ ફાટક નજીકથી એક ટ્રક અને એક આઈસર ગાડીમાં ઠસોઠસ ભરેલા નીલગીરી, લીમડા અને ગાડાં બાવળાના લાકડાં પાસ પરમીટ વગર વેચવા માટે જિલ્લા બહાર લઇ જવાતાની હોવાની બાતમી મળતા અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા બે ગાડીને ઝડપી પાડીને કાર્યવાહી કરાઈ હતી. લાકડાંનું વજન કેટલા ટન છે, તેનો કાંટો કરીને દંડ અને આગળની કાર્યવાહી હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી રાપર પંથકમાં ગાંડા બાવળની આડમાં લીમડો, નીલગીરી, ઝારા સહિત અન્ય ઝાડની તસ્કરી ખુલ્લેઆમ થઈ રહી છે ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા આવી કામગીરી ચાલુ રખાય તેવી માંગ પ્રયાવરણ પ્રેમીઓમાંથી ઉઠી છે.