કચ્છના લાખાપરના તળાવમાં નહાવા પડેલા બે કિશોરના ડૂબી જતાં મોત
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાખાપર ગામે આજે (શનિવારે) એક અત્યંત કરૂૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પશુઓ ચરાવવા ગયેલા માલધારી પરિવારના બે કિશોરોનું તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. એકસાથે બે માસૂમ બાળકોના મોતને પગલે સમગ્ર લાખાપર ગામ અને ખાસ કરીને કોળી સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લાખાપર ગામના રહેવાસી 12 વર્ષીય કમલેશ બેચારભાઇ કોળી અને 13 વર્ષીય દલસુખ હરખાભાઇ કોળી શુક્રવારના રોજ રાબેતા મુજબ ગામની સીમમાં પોતાના પશુઓ અને ભેંસો ચરાવવા માટે ગયા હતા. સામાન્ય રીતે તેઓ સાંજના સમયે ઘરે પરત ફરી જતા હોય છે, પરંતુ શુક્રવારે મોડી સાંજ સુધી બંને કિશોરો ઘરે ન આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. આજે શનિવારે વહેલી સવારે શોધખોળ દરમિયાન ગામના તળાવના કિનારેથી બંને કિશોરોના ચંપલ મળી આવ્યા હતા. આ ચંપલના આધારે બંને કિશોરો તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હોવાની પ્રબળ આશંકા સેવાઈ હતી. તાત્કાલિક ગ્રામજનોએ આ અંગે સ્થાનિક પોલીસ અને તંત્રને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમો તુરંત જ લાખાપર ગામે દોડી આવી હતી.
તળાવ ઊંડું હોવાથી મૃતદેહોને શોધવાની કામગીરી અત્યંત મુશ્કેલ બની હતી. ફાયર વિભાગની ટીમે સતત ત્રણ કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને તળાવમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આખરે, ફાયર વિભાગને બંને માસૂમ કિશોરોના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. એકસાથે બે હસતા-રમતા બાળકોના અકાળે અવસાનથી કોળી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. લાખાપર ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ડૂબવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂૂ કરી છે.