ગાંધીધામ રેલવે સ્ટેશન નજીકથી બે શખ્સો રૂા.58 લાખના હેરોઇન સાથે ઝડપાયા
પચરંગી શહેરમાં નશાનો વેપાર મોટા પ્રમાણમાં થતો હોવાનું ભુતકાળમાં અનેક વખત બહાર આવ્યું છે, તો પંજાબથી નશીલા પદાર્થના પલાનું કનેક્શન પણ અનેક વખત બહાર આવ્યું છે. તેની વચ્ચે પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે ગાંધીધામ રેલવે સ્ટેશન રોડ પર પંજાબથી માદક પદાર્થ લઇને પહોંચેલા બે ઇસમોને રૂૂ.58.08 લાખના હેરોઇનના જથ્થા સાથે પકડી લઇ વધુ એક વખત પંજાબ કનેક્શનનો પર્દાફાશ કર્યો છે.
એસઓજી પીઆઇ ડી.ડી.ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નો ડ્રગ્સ ઇન ઇષ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત માદક પદાર્થના વેપલાની ગેરકાયદેસર પ્રવૃતિ રોકવા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચના મુજબ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન એએસઆઇ વિરેન્દ્રસિંહ અને હેડકોન્સ્ટેબલ વનરાજસિંહને બાતમી મળી હતી કે, રેલવે ઓવર બ્રીજથી ગાંધીધામ બસ સ્ટેશન તરફ આવતા હાઇવેના સર્વિસ રોડ પર બે ઇસમો પંજાબના તરનતારનનો કુલવિન્દરસિંગ હરદેવસિંગ સિંગ અને લખવિન્દરસિંગ ગુરનામસિંગ સિંગ પોતાની સાથે માદક પદાર્થનો જથ્થો લાવી વેંચાણ કરે છે.
આ બાતમીના આધારે વોચ ગોઠવી બન્ને જણાને કોર્ડન કરી તલાશી લેતાં તેમની પાસેથી રૂૂ.58,08,000 ની કિંમતનો હેરોઇન ડ્રગ્સનો 116.16 ગ્રામ જથ્થો મળી આવતાં બન્નેની અટક કરી ચાર મોબાઇલ, ડીઝીટલ વજન કાંટો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી માટે બી-ડિવિઝન પોલીસે સોંપ્યા હતા.
જો કે , આ આરોપીઓનો ત્રીજો સાગરિત તરનતારનના સંગતપુરનો સુખાને પકડવાનો બાકી હોવાનું તેમણે જણાવ્યું હતું. પીઆઇ ઝાલાએ વધુ વીગતો આપતાં જણાવ્યું હતું કે, પકડાયેલા બે આરોપીઓ પૈકી કુલવિન્દરસિંગ હરદેવસિંગ સિંગ વિરૂૂધ્ધ ગત વર્ષે પણ માદક પદાર્થનો ગુનો બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલો છે. પૂર્વ કચ્છમાં ખાસ કરીને ડ્રગ્સના રવાડે ચડી યુવાધન બરબાદ થઇ રહ્યું છે.