અંજારની કુખ્યાત વ્યાજખોર બહેનો વિરુદ્ધ વધુ બે ગુના : કોન્ટ્રાક્ટરના 1.20 લાખ પડાવ્યા’ તા
કંડલાની આંગણવાડી વર્કરને પણ વ્યાજના વિષચક્રમાં ફસાવી ધમકી આપી હતી
અંજારમાં રોયલ માઈક્રો ફાઈનાન્સના નામે વ્યાજખોરીનો ધંધો કરનાર રિયા ગોસ્વામી,આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોધી ધાક બેસાડતી કાર્યવાહી કરી છે તેવામાં હવે વ્યાજખોર બન્ને બહેનો સામે વધુ બે ગુના નોધાતા કાયદાનો સકંજો વધુ મજબુત થયો છે.
છેલ્લા થોડા દિવસોથી ભારે ચર્ચામાં રહેલ અંજારની કુખ્યાત વ્યાજખોર બહેનો પાસેથી પોલીસે ગીરવે રાખેલા 30 વાહનો,12 કોરા ચેક અને વાહનોની આરસીબુકો કબ્જે કરી ઘર અને બેંક લોકરો સહિતની તપાસ કરવામાં આવી રહી છે. તેવામાં હવે અંતરજાળમાં રહેતા ફરિયાદી કોન્ટ્રાક્ટર ભરતભાઈ જયરામભાઈ પ્રજાપતિએ અંજાર પોલીસ મથકે આરોપી રિયા ઈશ્વર ગોસ્વામી અને આરતી ઈશ્વર ગોસ્વામી વિરુદ્ધ ગુનો નોધાવતા જણાવ્યું કે, આરોપીઓએ દેવનગરમાં મકાન બનાવવા માટે આપ્યું હતું. જેથી ફરિયાદીએ ભાવ નક્કી કરી મકાનનું કામ ચાલુ કર્યું હતું.જે બાદ બાંધકામના કુલ રૂૂપિયા 2.90 લાખ લેવાના હતા જેમાંથી આરોપી બહેનોએ ફરિયાદીને 1.70 લાખ ટુકડે ટુકડે આપ્યા હતા.ફરિયાદીના બાકી રહેતા રૂૂપિયા 1.20 લાખ આરોપીઓ પાસે માંગતા ઉશ્કેરાઈ જઈ ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જે થાય તે કરી લેવા કહ્યું હતું.
આ ઉપરાંત કિડાણામાં રહેતા અને કંડલા રેલ્વે ઝુંપડા વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવતા વિમળાબેન પ્રેમબહાદુર પંથે બન્ને આરોપી બહેનો વિરુદ્ધ ગુનો નોધાવતા જણાવ્યું કે, પોતાને રૂૂપિયાની જરૂૂરીયાત ઉભી થતા આરોપીઓ પાસેથી 40 હજાર 10 ટકા વ્યાજે લીધા હતા. આરોપીઓએ 4 હજાર વ્યાજના અને 2 હજાર જામીનના કાપી લઇ ફરિયાદીને રૂૂપિયા 34 હજાર આપ્યા હતા અને ફરિયાદી પાસેથી કોરો ચેક અને એક્સેસ પડાવી લીધી હતી. જે બાદ બન્ને આરોપી બહેનોએ ચેક બાઉન્સ કરાવી દેવાની અને એક્સેસ કોઈ ગુનેગારને ઉપયોગ કરવા માટે આપી દેવાની ધમકીઓ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.