ભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોત
કચ્છ જિલ્લાના નખત્રાણા અને ભુજને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નખત્રાણા-ભુજ માર્ગ પર કાર કોઈ અકસ્માતજનક સંજોગોમાં નિયંત્રણ ગુમાવી બેઠી હતી અને માર્ગની બાજુમાં આવેલા એક વૃક્ષ સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં અન્ય કેટલાક લોકોને ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેના માધ્યમથી ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનું મુખ્ય કારણ માર્ગની સ્થિતિ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નખત્રાણા-ભુજ રાજ્ય ધોરીમાર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે અને ખરાબ રોડની ગુણવત્તાને કારણે આ માર્ગ પર વારંવાર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. માર્ગની જર્જરિત હાલત અકસ્માતોને નોતરી રહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
