કચ્છના નારણપરમાં બે સગાભાઈની હત્યા
બસ સ્ટેન્ડ પાસે બેસવા મામલે થયેલા ઝઘડામાં સમાધાન માટે બોલાવી સાત શખ્સોએ ઢીમ ઢાળી દીધું
પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડી લીધા
તાલુકાના નારાણપર(રાવરી) ગામમાં બસ સ્ટેન્ડ પાસે બેસવા બાબતે થયેલા ઝઘડાનું મનદુ:ખે છરીના ઘા ઝીંકી બે સગા ભાઈઓનું ઢીમ ઢાળી દેવાતા ભારે ચકચાર ફેલાઈ હતી.મોડી રાત્રે મૃતકના ઘર પાસે જઈ હિચકારો હુમલો કરનાર એક મહિલા અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહીત 7 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે મોડી રાત્રે નારાણપર ગામમાં રહેતા 28 વર્ષીય કાદર ભચુ જત અને તેના મોટા ભાઈ 30 વર્ષીય ગુલામ ભચુ જતની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી હતી.
આ મામલે પાસી ફળિયામાં રહેતા ફરિયાદી હુશેન કાસમ જતે માનકુવા પોલીસ મથકે ગામના જ આરોપી સિરાજ અકબર ખલીફા,હુશેન આમદ જત,અકબર પીરમામદ ખલીફા,મનોજ જયસ્વાલ, મેમુનાબેન અકબર ખલીફા,શબીર અબ્દુલ જત અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.મૃતક ગુલામનો રાત્રે આઠ વાગ્યાના અરસામાં ગામના બસ સ્ટેન્ડ પાસે બેસવા બાબતે આરોપીઓ સાથે ઝઘડો થયો હતો.
જે વાતનું મનદુ:ખ રાખી આરોપીઓ છરી,લોખંડના પાઈપ અને ધોકા લઇને મૃતકના ઘર નજીક શેરીમાં આવ્યા હતા.જે બાદ આરોપીઓએ મૃતક કાદરને પકડી રાખી પેટના ભાગે છરીના બે ઘા અને પીઠના ભાગે છરીનો ઘા માર્યો હતો.નાના ભાઈને આરોપીઓ છરીના ઘા મારતા હતા તે જોઈ મૃતક ગુલામ તેને છોડાવવા માટે આવ્યો ત્યારે આરોપીઓએ તેને પણ પકડી લીધો હતો અને લોખંડનો પાઈપ ફટકાર્યા બાદ માથા,પીઠ અને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.હુમલામાં બન્ને ભાઈઓને ગંભીર ઈજાઓ પહોચતા તેમને પ્રથમ સારવાર માટે ભુજની એકોર્ડ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા.
સમગ્ર મામલે માનકુવા પોલીસ મથકના પીઆઈ ડી.એન.વસાવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બનાવને પગલે માનકુવા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ આરોપીઓને ઝડપી લેવાયા હતા.જેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બસ સ્ટેન્ડ પાસે બેસવા મામલે આઠ વાગ્યે ઝઘડો થયો હતો.જે બાદ આરોપીઓ સમાધાન કરવાના નામે ગેરકાયદેસર મંડળી રચી મૃતકના ઘરની પાસે શેરીમાં ગયા હતા.પહેલાથી જ ઘાતક હથીયારો લઇને ગયેલા આરોપીઓએ બન્ને ભાઈઓને પકડી રાખી હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી દીધા હતા.