ગાંધીધામમાં કુરિયરમાં આવેલા 12 કિલો ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ
પુર્વ કચ્છની એસઓજી ટીમે ઓરીસ્સાથી કુરીયરમાં ગાંજો મંગાવનાર બે પરપ્રાંતીયની તેની ડીલીવરી લઈને બહાર નિકળતાજ ધરપકડ કરી હતી. પાર્સલમાંથી 12 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો છે. પોલીસે એનડીપીએસની કલમો તળે બન્ને આરોપીઓ સાથે આ પાર્સલ મોકલનાર વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો.
પુર્વ કચ્છના સ્પેશ્યલ ઓપરેશન ગૃપને ગત રોજ ચોક્કસ બાતમી મળી હતી કે ઓરીસ્સાથી કુરીયર મારફતે ગાંજાનો મોટો જથ્થો ગાંધીધામ આવવાનો છે, જે આધારે એસઓજીની ટીમ ગાંધીધામના સુભાષનગર, ડીસી 2 ખાતે બિઝનેશ આર્કેડમાં આવેલી કુરીયર કંપનીની ઓફિસ બહાર વોચ ગોઠવી હતી. જે પાર્સલ ઓરીસ્સાથી આવ્યું હતું, તે પાર્સલ લેવા આવી પહોંચેલા બે બાઈક સવારો પર પોલીસની વિશેષ નજર હતી.
જેવું તેમણે પાર્સલની ડીલીવરી લઈને બહાર નિકળ્યા તેમજ વોચમાં રહેલા પોલીસ કર્મચારીઓએ તેમને કોર્ડન કરીને પકડી લીધા હતા, જેમની પાસેનું પાર્સલ ખોલીને તપાસ્યુ તો તેમાંથી 12.140 કિલો કે જેની કિંમત 1,21,400 થવા જાય છે એટલો વીપુલ પ્રમાણમાં નશીલા પદાર્થ ગાંજાને કબ્જે કરાયો હતો.
આ સાથે ડીલીવરી લેવા આવેલા બન્ને આરોપીઓ રાજીવ વિન્દેશ્વર રાય (ઉ.વ.41) (રહે. પીએસએલ કાર્ગો ઝુપડા, મુળ નયા ટોલા સબનીમા, બિહાર) અને સુભાષ દાહોર જાદવ (ઉ.વ.35) (રહે. શાંતિધામ,મુળ ભાદોર, બિહાર) ની અટકાયત કરી હતી. આ સાથે ત્રણ મોબાઈલ, એક મોટર સાઈકલ મળીને કુલ 1,83,400નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ કામગીરી એસઓજી પીઆઈ ડી.ડી.ઝાલા, પીએસઆઈ વી.પી. આહીર અને એસઓજી સ્ટાફ દ્વારા કરાઈ હતી.