કચ્છમાં ‘લખપત’ ફિલ્મના શુટીંગમાં પ્રોડયુસર ડિરેકટરને ધમકી આપી ત્રણ 3 શખ્સોની વિલનગીરી
દયાપર પોલીસમાં ગુનો નોંધાયો, કોની પરવાનગીથી શૂટીંગ કરો છો ? કહી માથાકૂટ કરી
લખપત ગામે ફિલ્મનું શૂટિંગ કરવા આવેલા પ્રોડયુસર તથા ફિલ્મ નિર્માતાને ગાળાગાળી, ધાકધમકી કરી માર મારવામાં આવતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મુંબઇના જીબુંબ સ્ટૂડીઓના નિર્માતા કંચનબેન કાલરા તથા ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર અને બનાવના ફરિયાદી ધનરાજ હનુમંત સાવંત પોતાની ટીમ સાથે લખપત ખાતે ફિલ્મનું શૂટિંગ કરવા આવ્યા હતા.
જિલ્લા કલેક્ટરની પરવાનગી બાદ અહીં આ લોકો કામ કરી રહ્યા હતા, ત્યારે ગામના સરપંચ પ્રતિનિધિ સાલેમામદ તથા લિયાકતઅલી નોતિયારે ત્યાં આવી કોની પરવાનગીથી શૂટિંગ કરો છો. અમારી પંચાયતનું પણ કંઇક સમજવું પડશે. તેમ કહી નીકળી ગયા હતા.
બાદમાં આ મહિલા અને ફરિયાદીને ઉપસરપંચ હિતેશ ઉર્ફે બાદલ ઠક્કરને ત્યાં બોલાવાયા હતા.
આ ફિલ્મ નિર્માતાઓએ ગામ માટે 45,000 આપવાની વાત કરતાં બાદલ, લિયાકત, સાલેમામદ ઉશ્કેરાઇ ગયા હતા અને ફિલ્મનો શેડ તોડી નાખવા સહિતની ધમકી આપી હતી. બાદમાં તા. 21/11ના શૂટિંગ ચાલુ હતું, ત્યારે અદ્રેમાન સોઢા નામના શખ્સે ત્યાં આવીને ધામધમકી કરી હતી. પછી તા. 22/11ના બપોરના અરસામાં ફરીથી સાલેમામદ ખલીફા, લિયાકતઅલી નોતિયાર, હિતેશ ઉર્ફે બાદલે ત્યાં આવી ફરીથી માથાકૂટ કરી હતી અને ઉશ્કેરાયેલા લિયાકતે ફરિયાદીને માર માર્યો હતો. બનાવ અંગે દયાપર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
