ભચાઉ નજીક ટ્રકના ચાલકે પિકઅપ વાહનને ઉલાળતા ત્રણ શ્રમિકોના મોત
અંજારના વરસાણા અને ભચાઉના નંદગામ વચ્ચે વરસાણા પુલ નજીક ઓસવાલ કંપની સામે સવારે ટ્રકએ બડા દોસ્ત પિકઅપ (છકડો)ને પાછળથી ટક્કર મારતાં છકડામાં સવાર મૂળ ઝારખંડના નિર્મલ અમર બાવરી (ઉ.વ. 20), રમેશ કિરણ ડોમ (ઉ.વ. 34) તથા પશ્ચિમ બંગાળના લક્ષ્મણ સંતોષ બાબરી (ઉ.વ. 48) નામના શ્રમિકોનાં મોત થયા હતા જ્યારે આઠ લોકોને ઇજાઓ પહોંચી હતી. ભચાઉ તાલુકાના ચીરઇ નજીક આવેલી બુંગી કંપનીમાં કામ કરતા શ્રમિકોના વાહનને અકસ્માત નડયો હતો.
કંપનીમાં કોન્ટ્રાક્ટર થકી કામ કરતા મજૂરોએ રાતપાળી કરી હતી અને દરરોજની જેમ પોતાના રૂૂમ પર જવા પડાણા આવવા નીકળ્યા હતા. બડા દોસ્ત પિકઅપ (છકડો)માં 11 જેટલા શ્રમિક સવાર થયા હતા અને પડાણા બાજુ આ વાહન આવી રહ્યું હતું. આ છકડો જી.જે. 12 બી.ઝેડ. 5459વાળું નંદગામ અને વરસાણા વચ્ચે વરસાણા ઓવરબ્રિજ પાસે ઓસ્વાલ કંપની સામે પહોંચ્યું હતું તેવામાં પાછળથી પાઇપ ભરીને આવી રહેલ ટ્રક નંબર જી.જે. 03 ડી.ડબલ્યુ.
3588એ આ છકડાને પાછળથી ટક્કર મારતાં અંદર બેઠેલા શ્રમિકો ફંગોળાયા હતા જેમાં નીચે પટકાયેલા એક શ્રમિકના માથા પરથી તોતિંગ વાહનના પૈડાં ફરી વળતા તેનું ત્યાં જ મોત થયું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓથી તેણે પણ ત્યાં જ છેલ્લાશ્વાસ લીધા હતા જ્યારે અન્ય એક શ્રમિકને સારવાર અર્થે લઇ જવાયા બાદ તેણે સારવાર દરમ્યાન આંખો મીંચી લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં છકડામાં સવાર અન્ય આઠ મજૂરોને પણ ઇજાઓ પહોંચી હતી જે પૈકી બે શ્રમિકની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું. ટ્રકચાલક સામે ગુનો દર્જ કરવા સહિતની કાર્યવાહી ચાલુમાં હોવાનું તપાસકર્તા પી.એસ.આઇ. ડી. ઝેડ. ઝાલાએ જણાવ્યું હતું.