કચ્છમાં ચોરાઉ ડીઝલ સાથે ત્રણ ઝડપાયા
સામાન્ય રીતે ગાંધીધામથી સામખિયાળી વચ્ચેના હાઇવે પર વાહનોમાંથી ચોરીના અવાર-નવાર બનાવો બહાર આવતા હોય છે. આ પ્રકારની ચોરીની ઘટનાઓ હવે ભુજ-ખાવડા ધોરીમાર્ગ પર પણ શરૂૂ થઇ ગઇ હોવાની ઘટના બહાર આવી છે. જેમાં ભુજથી ખાવડા જતા હાઈવે માર્ગ પર આવેલી હોટલો અને ગેરેજ પર ચાલતો ગેરકાયદેસર ડીઝલના વેપલાનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે અને રૂૂપિયા 82 હજારની કિંમતના 920 લીટર ચોરાઉ ડીઝલ સાથે સુમરાસર(શેખ),કુનરીયા અને અકલી ગામના આરોપીને ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના પીઆઈ સંદીપસિંહ ચુડાસમાની સુચનાથી ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે, સુમરાસર(શેખ) ગામનો આરોપી ભરત ગોપાલ કેરાસીયા પોતાની ભાડે રાખેલી રુદ્રાણી કૃપા હોટલ પર ચોરીથી મેળવેલ ડીઝલનો છુટક રીતે વેપાર કરે છે. બાતમીને આધારે સ્થાનિકે રેઇડ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. જેના કબ્જામાંથી રૂૂપિયા 18,900 ની કિંમતનો 220 લીટર ડીઝલ મળી આવ્યો હતો.જયારે ભાડે રાખેલ વાઘેશ્વરી ગેરેજ એન્ડ રીપેરીંગ પર દરોડો પાડતા કુનરીયા ગામનો આરોપી વિશાલ શિવજી છાંગા હાજર મળી આવ્યો હતો.
જેના કબ્જામાંથી રૂૂપિયા 45 હજારની કિંમતનો 500 લીટર ડીઝલ મળી આવ્યો હતો. જયારે ભાડે રાખેલ મહા રુદ્રાણી હોટલ પર તપાસ કરતા એકલી ગામનો આરોપી ઓસમાણ મલુક નોડે હાજર મળ્યો હતો. જેના કબ્જામાંથી રૂૂપિયા 18 હજારની કિંમતનો 200 લીટર ડીઝલ મળી આવ્યો હતો.આરોપીઓ પાસે ડીઝલના જથ્થાનો આધાર પુરાવો ન હોવાથી શક પડતી મિલકત તરીકે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે એલસીબીના પીઆઈ એસ.એન.ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપીઓની પૂછપરછ કરતા પોતે ડીઝલનો જથ્થો મીઠાનું પરિવહન કરતા ટ્રેઇલરના ચાલકો પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું.ટ્રેઇલર ચાલકો પોતાના ખર્ચ માટે ડીઝલ કાઢી ઓછા ભાવે આરોપીઓને વેચાણે આપી દેતા હતા જે ડીઝલ આરોપીઓ બજાર ભાવે વેચતા હોવાનું સામે આવ્યું છે.