કચ્છમાં 1.94 કરોડના હેરોઇન કેસમાં ત્રણ આરોપીને 20 વર્ષની સજા
2019માં માંડવીમાંથી એટીએસે રૂૂપિયા 1.94 કરોડના હેરોઈન સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા, જે ગુનામાં ભુજની સ્પે.એનડીપીએસ કોર્ટે ત્રણેય આરોપીઓને 20 વર્ષની સખત કેદ અને રૂૂપિયા 2-2 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ એટીએસની ટીમને મળેલ બાતમીને આધારે 28 જુલાઈ 2019 ના કોડાય ત્રણ રસ્તા નજીકથી બાઈક પર જતા માંડવી તાલુકાના કાઠડા ગામનો આરોપી ઉમર હુસેન વાઘેર અને માંડવીના આરોપી નાદીર હુસેન ઉર્ફે રાજા અબ્દુલ સતાર સમેજાને રૂૂપિયા 97.60 લાખની કિંમતના 976 ગ્રામ હેરોઈન સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછ પરછ કરતા તેઓને દરિયા કિનારેથી આ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેને વેચવા માટે ગ્રાહક શોધી રહ્યા હતા.
તેમજ બન્ને આરોપીઓએ માંડવીના આરોપી ઇમરાન અબ્દુલકાદર મણીયારને વેચાણ કરવા માટે રૂૂપિયા 96.50 લાખની કિંમતનો 965 ગ્રામ હેરોઈન આપ્યો હોવાનું સામે આવતા એટીએસે 1 ઓગષ્ટ 2019ના તેને પણ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જે મામલે ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પ્રોસીક્યુશન તરફે 51 દસ્તાવેજી પુરાવા તથા 19 સાક્ષી તપાસવામાં આવ્યા હતા. જેમાં ભુજની સ્પે.એનડીપીએસ કોર્ટે ત્રણેય આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂૂપિયા 2-2 લાખનો દંડ ફટકાર્યો છે. જો આરોપીઓ દંડની રકમ ન ભરે તો વધુ 2 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં પ્રોસીક્યુશન તરફે સ્પે.એનડીપીએસ કાયદાના અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ.એ.મહેશ્વરી હાજર રહ્યા હતા.