કચ્છમાંથી પકડાયેલ ક્રિકેટ સટ્ટાના રેકેટમાં અનેક પંટરોના નામ ખુલ્યા
દુબઇથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા બુકી સાથે કનેકશન ધરાવતા ભરત ચૌધરી નામના બુકીને કચ્છ બોર્ડર રેન્જની ટીમે પાટણથી પકડી પાડી પુછપરછ શરૂ કરી છે. જેમાં કચ્છના અનેક પંટરોના નામ ખુલે તેવી શકયતા છે.
મહાદેવ બેટિંગ એપ સાથે સંકળાયેલા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનું 23 આઇડીનું નેટવર્ક ધરાવનાર ચૌધરીને ઝડપી લીધા, પરંતુ હજુ અન્ય સાગરીતો હાથ નથી આવ્યા. સટ્ટાનો કારોબાર અબજોમાં ચાલે છે તેનો પર્દાફાશ થયા બાદ તેનો રેલો કચ્છ સુધી પહોંચે તો નવાઈ નહી. કચ્છમાં પણ મોટેપાય સટ્ટો રમાય છે તેવું સૂત્રો જણાવે છે અલબત્ત મુખ્ય સૂત્રધાર ની ધરપકડ થતાં જ આ વર્ગમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કચ્છ, પાટણ, થરાદ, ભાભર આ વિસ્તારમાં સટ્ટા રમાડાનારાની મોટી સંખ્યા છે. તેમાં પણ પાટણ આસપાસના અમુક મથકોમાં સોનું, ચાંદી, એરંડા, ક્રિકેટ અને શેર પર સટ્ટાનો બહુ મોટો વેપાર ચાલે છે.
સૂત્રોનું માનીએ તો ભુજમાં પણ થોડા વર્ષો પહેલાથી તે જ વિસ્તારનો સટ્ટાખોર અહીં મોટે પાયે ઓનલાઈન આઈડી વેચીને કરોડોનો કારોબાર ચલાવે છે. બોર્ડર રેન્જ આઇ.જી દ્વારા જે સટ્ટાખોરને પકડવામાં આવ્યો છે તેના દુબઈથી થતા વેપારમાં ભુજના પણ નામી સટ્ટાખોરે આઇડી લીધેલી હોવાનું સૂત્રો જણાવે છે. બારે મહિના દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ ક્રિકેટની મેચ રમાય છે જેનું મુખ્ય પ્લેટફોર્મ સટ્ટો હોવાનું મનાય છે. ભરત ચૌધરી પાસે પકડાયેલી માત્ર એક ચિઠ્ઠીમાં 5200 કરોડ ના વ્યવહાર ની નોંધ હતી તો તે હિસાબે અન્ય કેટલો વેપાર થયો હશે તે કલ્પના બહાર છે.
હાલ ઇંગ્લેન્ડમાં 100 બોલની મેચ રમાય છે. જેમાં એક ઓવરમાં પાંચ દડા ફેંકવામાં આવે છે. વિશ્વભરની ટીમોએ ભાગ લીધો છે અને તેના પર પણ એક થી પાંચ લાખમાં વેંચાયેલી આઇડી પર લાખો રૂૂપિયાનો સટ્ટો રમાય છે. બે દિવસ પહેલા ઝડપાયેલું રેકેટ ઉત્તર ગુજરાતનું પ્રકરણ હોવાથી કચ્છ સુધી તપાસ વધશે કે નહીં તે નક્કી નથી. પરંતુ જો તપાસ થાય તો ક્રિકેટ સટ્ટાના નમોટા માથાથ બહાર આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ અગાઉ ભુજના નામીચા સટ્ટાખોરો દુબઈ ચાલ્યા ગયા હતા.