રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છનું લોકજીવન ધબકે છે લોકમેળામાં

11:27 AM Aug 24, 2024 IST | admin
Advertisement

હવે માનવ કિડિયારું ઊભરાશે મનોરંજક લોકમેળામાં: રાજકોટ, માધવપુર, ભવનાથ, તરણેતર, ઈશ્ર્વરિયા, પરબવાવડી, પીંડારા, ભૂચર મોરી, ઈન્દ્રેશ્ર્વર અને રવેચી તેમજ ઘેલા સોમનાથના લોકમેળા બન્યા છે લોકપ્રિય: સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાતા મનોરંજક લોકમેળાની જાણી-અજાણી વાતો જાણવા જેવી

Advertisement

સૌરાષ્ટ્ર - કચ્છની પ્રજાની ઉત્સવ પ્રિયતાનો અંદાજ આ પ્રદેશમાં યોજાતા ઉત્સવો, લોકમેળા (મોટા ભાગે શ્રાવણ -ભાદરવામાં યોજાતા) દ્વારા બાંધી શકાય છે. જો કે હવે નાના- મોટા શહેરોમાં ખાનગી મેળાઓ પણ મોટા પ્રમાણમાં યોજાય છે. લોકમેળાની પાછળ ધાર્મિક, સાંસ્કૃતિક મનોરંજનના પરિબળો કામ કરે છે. સૌરાષ્ટ્રમાં કેટલાંક પ્રખ્યાત મેળાઓમાં હૈયે હૈયુ દળાય તેટલા માનવ મહેરામણ ઉમટી પડે છે. તેવા લોકમેળાઓની વાત પ્રસ્તુત છે…

રાજકોટમાં 1983માં પહેલા શાસ્ત્રી મેદાનમાં અને હવે રેસકોર્ષ મેદાનમાં વહિવટી તંત્રની લોકમેળા સમિતિ દ્વારા શ્રાવણ માસમાં લોકમેળો યોજાય છે. આ લોક મેળા થકી રાઇડસ(ફઝર ફાળકા), ખાણીપીણી વાળા નાના- મોટા ધંધાર્થીઓને રોજગારી મળી રહે છે. આ લોકમેળાની આવક લોક કલ્યાણના કામો માટે વાપરવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો લોકમેળો માણવા ઉમટી પડે છે. મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. તો રાજકોટથી 10 કિમી દૂર માધાપર પાસે ઇશ્વરિયા મહાદેવ મંદિરે પણ શ્રાવણ માસમાં મેળો ભરાય છે. આ મંદિર પ્રકૃતિ અને ધર્મનું અનેરા સંગમ સમું સ્થાન છે. રાજકોટથી 60 કિમિ દૂર જડેશ્વર મહાદેવ અને 76 કિમિ દૂર ઘેલા સોમનાથ મંદિરે પણ શ્રાવણી મેળાની મજા લૂંટવા માણસો ઉમટી પડે છે.

ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મંદિરે દર વર્ષે યોજાતા મહા શિવરાત્રિનો મેળો જૂનાગઢની આગવી ઓળખ સમો છે. ભજન-ભોજન સાથે મહાશિવરાત્રીની રાત્રે નીકળતી દિગંબર સાધુઓની રવેડીના દર્શનાર્થે લોકોના ધાડેધાડા ઉમટી પડે છે. લોકવાયકા મુજબ આ રવેડીમાં ખુદ ભગવાન ભોળાનાથ પધારે છે. દેશ- વિદેશમાંથી બહોળી સંખ્યામાં લોકો શિવરાત્રીનો લોકમેળો માણવા આવતાં હોય છે. દર વર્ષે કાર્તિક સુદ 11 થી પૂનમ સુધી ગિરનારની 16 ગાઉની પ્રદક્ષિણા યાત્રાનું આયોજન થાય છે. જેમાં શ્રધ્ધાળુઓ હોંશભેર જોડાય છે. જૂનાગઢથી 40 કિમિ દૂર આવેલ ભેંસાણ તાલુકાના પરબધામ (વાવડી-પરબવાવડી)માં રકતપિતના દર્દીઓની સેવા કરી ચૂકેલા સંતશ્રી દેવીદાસનું સમાધીસ્થાન છે. દર વર્ષે અષાઢી બીજ નિમિતે અહીં લોકમેળો ભરાય છે.

સુરેન્દ્રનગરથી 95 કિમિ દૂર આવેલા પાંચાળ પંથકમાં તરણેતર ગામ નજીક આવેલા ત્રિનેત્રેશ્વર મંદિર લોકોની આસ્થાનું સ્થાનક છે. દ્રૌપદીનો સ્વયંવર આ જગ્યાએ રચાયો હતો. અર્જૂને પોતાની બાણ વિદ્યાની કુશળતાનો પરિચય આ સ્થળે જ આપ્યો હતો. અને દ્રૌપદીને મેળવી હતી. અહીંના કુંડમાં બ્રહમાજીએ ભગવાન મહાદેવની ઉપાસના કરી હતી. તરણેત્તરના મેળામાં સૌરાષ્ટ્ર પ્રદેશનું લોકજીવન ધબકતું જણાઇ આવે છે. રંગબેરંગી પરંપરાગત પોશાકો પહેરીને મેળો મહાલતા યુવાનોને જોવો, એ અનેરો લ્હાવો છે.

આ મેળો આદિવાસી યુવતીઓ માટે મનનો માણિગરને અને યુવકોને મનગમતી માનુની મેળવી લેવાનો અવસર પૂરો પાડે છે. હાલના બદલાયેલા સંજોગોમાં ગુજરાત સરકારે આ મેળાઓની અગત્ય સ્વીકારી છે. જગ મશહુર મેળામાં કામચલાઉ નિવાસ રૂૂપે તંબુઓ, રાવટીઓ તથા માટી - છાણની બનાવેલી ઝૂંપડીઓ તૈયાર કરાવે છે. જેમાં જરૂૂરી સગવડો પણ હોય છે. ગ્રામીણ ઓલિમ્પિક પણ તરણેતરના મેળામાં યોજાય છે.

જામનગરમાં બસ સ્ટેશનની પાસેના મેદાનમાં એક માસ સુધી મેળા યોજાય છે. જામનગરના ઇતિહાસમાં લડાયેલા યુધ્ધોમાં ભૂચર મોરીનું યુધ્ધ વિશેષ મહત્વ ધરાવે છે. આ યુધ્ધ કોઇ સત્તા લાલસા માટે નહીં, પરંતુ શરણાગત ધર્મની રક્ષા માટે લડાયુ હતું, જેમાં હાલારના કુંવર સહિત અનેક શૂરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. જામનગરથી 38 કિમિ દૂર ધ્રોલ પાસે શ્રાવણ વદ તેરસ, ચૌદશ અને અમાસનો મેળો ભરાય છે. જામનગરથી 36 કિમિ દૂર આવેલા કાલાવડ પાસે નવા રણુજા ગામે હિન્દવા પીર ગણાતા રામદેવજી મહારાજનું ભવ્ય મંદિર આવેલુ છે. અહીં પણ મોટો લોકમેળો ભરાય છે.

દ્વારકા પાસેના શિવરાજપુરમાં તથા કલ્યાણપુર તાલુકાના પીંડારા કે જયાં પાંડવોએ 108 પિંડ તરાવ્યા હતા. આ બંને સ્થળોએ મલ્લ કુસ્તી મેળા યોજાય છે. ભાણવડ પાસેના ઇન્દ્રેશ્વર મંદિર કે જે ત્રણ નદીનું સંગમ સ્થળ છે ત્યાં શ્રાવણી અમાસ પર ત્રણ દિવસ મેળો ભરાય છે.

પોરબંદરથી 60 કિમિ દૂર માધવપુર ધેડમાં દર વર્ષે ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી મેળો ભરાય છે. આ મેળો શ્રી કૃષ્ણ રૂૂક્ષ્મણિના લગ્ન સમારંભ નિમિતે યોજાય છે. આ મેળામાં અશ્વ દોટ, ઉંટ દોડ વગેરે સ્પર્ધાઓ યોજાય છે. રાજય સરકાર વર્ષે 2022થી આ મેળાની નસ્ત્રઆંતરરાષ્ટ્રીય લોકમેળાસ્ત્રસ્ત્ર તરીકે ઉજવણી કરી રહી છે. પોરબંદરથી 27 કિમિના અંતરે આવેલા વિસાવડા ગામે દર વર્ષે જન્માષ્ટમીના દિવસે મોટો મેળો ભરાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણે મથુરાથી દ્વારકા જતી વખતે અહીં વિસામો લીધો હતો. એની સ્મૃતિરૂૂપે મૂળ દ્વારકાના આ મંદિરમાં ભગવાને શ્રી કૃષ્ણની પાદુકા પણ છે. પોરબંદર જિલ્લાના કુછડી ખાતે આવેલ ખીમેશ્વર શિવ મંદિરમાં શ્રાવણ માસમાં દર સોમવારે મેળો ભરાય છે. કહેવાય છે કે અહીં પાંડવોએ નિવાસ કર્યો હતો.

પાલિતાણાના શેત્રુંજય પર્વત ઉપર દુનિયાભરના ભાવિકો આવે છે. અહીં ફાગણ સુદ પૂનમનો ઢેબરિયો મેળો, છ ગાઉ યાત્રા પ્રસંગે ભરાય છે. તો ભાવનગર જિલ્લાના તળાજાથી 22 કિમિ દૂર સાગર તટે આવેલા ગોપનાથ મંદિરે ગુજરાતના આદિ કવિ ભકત નરસિંહ મહેતાને પિનાકપાણી શંકરનો સાક્ષાત્કાર થયો હતો ત્યાં શ્રાવણી મેળો ભરાય છે.

રણ ઉત્સવની જેમ કચ્છ તેના મેળાઓ માટે પણ જાણીતું છે. જેમાં હાજીપીરનો મેળો, વાગડ રવેચીનો મેળો, ગરીબદાસજીનો મેળો જાણીતા મેળાઓ છે. આ સિવાય વરૂૂણદાદા, માયભીભી, દતાત્રેયજી, મેકરણદાદા, અબડા, રૂૂકનશાપીર, મતિયાપીર, શીતળા માતા, મામાઇ દેવ, જોગણી માયા વગેરે ના મેળા પણ માણવા જેવા હોય છે.

કોમી એકતાના પ્રતિક સમો હાજી પીરનો ઉર્ષ ચૈત્ર માસના પ્રથમ સોમવારે દર વર્ષે ઉજવાય છે ત્યારે ભરાતા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. ભાદરવા સુદ આઠમે ભુજથી 175 કિમિ આવેલ રવેચી માતાજી મંદિરે મોટો મેળો ભરાય છે. વાગડના રવેચીના આ લોકમેળામાં ગ્રામજનો પોતાના વાહનો - પશુઓને શણગારીને, રંગબેરંગી ભરતકામ, આભલાકામના વસ્ત્રો પહેરી મેળાની મઝા લૂંટે છે. પાંડવોએ પોતાના વનવાસનું છેલ્લું વર્ષ અહીં વિતાવ્યુ હતું. ભુજથી 64 કિમિના અંતરે આવેલા ધીણોધર ડુંગર ઉપર દાદા ઘોરમનાથે સોપારી પર ઉંધા માથે 12 વર્ષ તપસ્યા કરી હતી. અહીં ફાગણ સુદ ચોથ- પાંચમના પ્રખ્યાત મેળા યોજાય છે.

Tags :
gujaratgujarat newskachchkachchnewslokmelanewsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement