કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 19 થયો
સતત દસમા દિવસે મોતનો સિલસિલો યથાવત્, મેડિકલ ટીમોના ધામા
લખપતના ભેદી તાવના કહેર વચ્ચે આજે તાલુકાના મોરી ગામે મહિલાનું મોત થતાં મરણાંક 19એ પહોંચ્યો હતો. બે-ત્રણ દિવસનો તાવ, શરદી સહિતની ફરિયાદ સાથે મહિલાને વાયોર પી.એચ.સી.માં દાખલ કરાયા બાદ સારવાર દરમ્યાન મોત થતાં જત સમાજના ગામોમાં ફફડાટ ફેલાયો હતો. મેડી, ભેખડો, ભારાવાંઢ, વાલાવારી સહિતનાં ગામોમાં આ ભેદી તાવે કહેર મચાવતાં આજે મોરી, જમનવારની બાજુનું ગામ છે તે ગામની મહિલાનું મૃત્યુ થયું હતું.
આરોગ્ય વિભાગના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે ભેદી તાવનો કહેર 10મા દિવસે પણ યથાવત્ રહેતાં વહીવટી તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે. તાવના દર્દીઓ ડોક્ટર્સના હાથમાં આવ્યા બાદ પણ મૃત્યુ પામી રહ્યા છે. આજ સુધી મોતનો સિલસિલો બંધ નથી થયો તે હકીકત લોકોમાં દહેશતભરી રહી છે. આ દરમ્યાન, ભચાઉથી આવી શંકાસ્પદ બીમારીથી એક પુરુષનું મૃત્યુ થયું છે, તેવા વાવડ મળ્યા છે.
આ જોતાં મરણાંક 19એ પહોંચ્યો હતો. ભેદી તાવનું સચોટનિદાન ન થવાના કારણે અક્સીર ઇલાજ થતું નથી એ પ્રકારની વાતો ચારેકોર વહેતી થઇ?છે. આરોગ્ય સચિવ હર્ષદ પટેલ અબડાસા તેમજ દયાપરની મુલાકાતે આવ્યા હતા. તેમણે અહીં ચાલતી આરોગ્યની કામગરીનું નિરીક્ષણ કર્યું હતું.
ભારાવાંઢ તેમજ દયાપરની આ મુલાકાતને લોકો હવે તંત્રનો તાયફો ગણાવી રહ્યા છે.
આ ભેદી બીમારીના ફફડાટથી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ, દવાખાનાંમાં ઓ.પી.ડી. વધી રહી છે. આજે ભેદી તાવના કહેર વચ્ચે લખપત તાલુકાના મોરી ગામે 27 વર્ષીય સકીનાબાઇ હનીફ જતનું મૃત્યુ થયું હતું.
વાઈરસનું ચોકકસ નિદાન હજુ થયુ નથી: આરોગ્ય કમિશનર
લખપત-અબડાસાના શંકાસ્પદ બીમારીવાળાં ગામોની મુલાકાત લીધા બાદ આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે પત્રકારોને ધરપત આપતાં જણાવ્યું કે, હવે બીમારી અંકુશમાં આવે છે ને ઓપીડીનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે, છતાં વાયરસનું ચોક્કસ નિદાન હજુ થયું નથી, પરીક્ષણ ચાલી રહ્યા છે. બે દિવસ પહેલાં ભારાવાંઢ ગામમાં ત્રણ મૃત્યુ થઇ ચૂક્યાં છે.ત્યાંના ગ્રામજનોને મળીને આવ્યા બાદ કહ્યું કે, નાગરિકોને વિશ્વાસ અપાવવો પણ જરૂૂરી છે, જેથી ક્યાંક રોગચાળાનો ભય ન ફેલાય. જે રીતે મૃત્યુ થયા છે એ જાણ થતાં અસરગ્રસ્ત ગામોના લોકોમાં ડર ફેલાઇ ગયો છે, એટલે અમારી તબીબોની ટીમ સતત સમજાવે છે કે બીમારીના લક્ષણ દેખાયને તુરંત જાણ કરો. અહીં સ્થાનિક બધી જ પ્રકારની સારવાર આપવામાં આવે છે. અમદાવાદ, રાજકોટ સહિતના સ્થળોએથી નિષ્ણાત તબીબોની ટીમો આવી પહોંચી છે અને ગામડાંઓમાં ફરે છે, સારવાર આપે છે.