સામખિયાળી પાસેથી 3.77 લાખની વિદેશી સિગારેટ સાથે આરોપી ઝડપાયો
સરહદી કચ્છ જિલ્લાના દરિયાઈ કાંઠા વિસારમાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થ મળી આવવાનો સીલસીલો જારી છે. ત્યાં હવે નશાખોરીના વેપલાને ઉજાગર કરતી ઘટના સામખિયાળીથી સામે આવી છે. જ્યાં કુરિયરની વેનમાં ગેરકાયદે વિલાયતી સિગારેટનો શંકાસ્પદ જથ્થો સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. કુલ 3.77 લાખની સિગારેટ સાથે ટેમ્પો સહિત કુલ રૂૂ. 8.82 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપીની અટકાયત કરી સાયબર ક્રાઇમની ટીમે સામખીયાળી પોલીસના હવાલે કર્યા છે. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સામખિયાળી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટિમના પી.આઇ વાય.કે.ગોહિલને મળેલી બાતમીના આધારે સામખિયાળી ટોલ પ્લાઝાએથી પસાર થતી કુરિયર સર્વીસની પીકપ વેન માંથી શંકાસ્પદ વિદેશી સિગારેટનું બોક્સ મળી આવ્યું હતું. તપાસ કરતા તેમાં વિવિધ બ્રાન્ડની કુલ રૂૂ.3 લાખ 77 હજારની કિંમતની સિગારેટના પેકેટ મળી આવ્યા હતા. રૂૂ 5 લાખ કિંમતની પીકપ વેન અને મોબાઈલ મળી કુલ રૂૂ. 8.82 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા મૂળ પાટણ જિલ્લાના સિદ્ધપુર ગામના અને હાલ ગાંધીધામ રહેતા આરોપી કનૈયાલાલ ઈશ્વરલાલ પ્રજાપતિની સાયબર ક્રાઇમે અટકાયત કરી સામખિયાળી પોલીસના હવાલે કર્યો હતો. વધુ તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી હતી.