કચ્છમાંથી સસ્પેન્ડ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલનો પાલનપુરમાં ઘરે આપઘાત
સ્યુસાઇડનોટમાં પોલીસ અધિકારી, કર્મચારી અને મેડિકલ ઓફિસર સામે આક્ષેપો
અબડાસામાં જખૌ ખાતે ગત એપ્રિલમાં મધ્ય રાત્રે બંદોબસ્તમાં આવેલા હેડ કોન્સ્ટેબલ વિંદલરાજ રમેશચંદ્ર ચૌહાણ નલિયામાં નશાયુક્ત હાલતમાં પકડાયા બાદ તેણે પોતાના ઘરે બનાસકાંઠાના પાલનપુરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતકે લખેલી કહેવાતી સ્યૂસાઇડ નોટમાં પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારી સહિત અન્ય પોલીસ કર્મચારી તથા મેડિકલ ઓફિસર સામે ગંભીર આક્ષેપ કરાયા હોવાથી કચ્છ સહિત ગુજરાત પોલીસ દળમાં ચકચાર મચી છે.
સાત વર્ષથી પશ્ચિમ કચ્છ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા વિંદલરાજને જખૌમાં આયોજિત ધાર્મિક સમારોહમાં બંદોબસ્ત માટે તૈનાત કરાયા હતા, ફરજ પૂરી થયા બાદ તા. 29-4ના મધ્ય રાત્રે અર્ટિગા કારમાં તે તથા ડ્રાઇવર રણજિત મહેશ્વરી નલિયા તરફ જતા હતા, ત્યારે નલિયાના અબડા દાદા સર્કલ પાસે બંને દારૂૂના નશામાં મળી આવતાં બેઉ સામે અલગ-અલગ ફરિયાદો નોંધાઇ હતી. આ બનાવ બાદ વિંદલરાજને પોલીસ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધો હતો અને બાદમાં તેની સુરત ગ્રામ્યમાં બદલી કરી દેવાઇ હતી. દરમ્યાન પાલનપુર રહેતા વિંદલરાજે ગત રાત્રે ઘરે પંખામાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના સંદર્ભે પરિવારજનોએ પણ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે.
પરિવારે કહ્યું કે, વિંદલરાજે આપઘાત કરતાં પહેલાં એક સ્યૂસાઇડ નોટ લખી હતી, જેમાં પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ઉચ્ચ અધિકારી તથા અન્ય એક અધિકારી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સ્યૂસાઇડ નોટમાં પોલીસ અધિકારી અને અન્ય પોલીસ સામે નામજોગ આક્ષેપ કરાયા છે.