કચ્છના રવાપરમાં લોકડાયરા સમયે જ ડ્રોન હુમલાથી મચી ગયેલી નાસભાગ
કચ્છના નખત્રાણા તાલુકાના રવાપર ગામમાં કડવા પાટીદાર સમાજના ઇષ્ટદેવ ભગવાન લક્ષ્મી નારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હતા. જેથી રવાપર ગામમાં પ્રસંગોને યાદગાર બનાવવા 3 દિવસના સુવર્ણ અમૃત મહોત્સવનું આયોજન કરાયું હતું. 7થી 9 મે દરમિયાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
તા.7ના રોજ રાત્રે સાંઇરામ દવેનો ભવ્ય ડાયરો ચાલી રહ્યો હતો.ત્યારે ડાયરો શરૂૂ થયાને માંડ 20થી 25 મિનિટ થઇ હતી અને કાર્યક્રમના એક આગેવાનનો મોબાઇલ રણકી ઊઠ્યો.
જોયું તો કચ્છના કલેક્ટરનો ફોન હતો. કલેક્ટરે કહ્યું કે, કાર્યક્રમ તાત્કાલીક બંધ કરો સ્થિતિ ગંભીર છે. પાંચેક હજારના માનવ મહેરામણને ઘરે જવા કહેવાયું હતું અને તમામ લોકો કોઇપણ વિરોધ કર્યા વિના ચૂપચાપ પોતપોતાના ઘર તરફ જવા રવાના થઇ ગયા હતા. આ કાર્યક્રમમાં મુંબઇ, બેંગાલુરૂૂ, હૈદરાબાદ, ગોવા અને તમિલનાડુથી કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો આવ્યા હતા.તેમના ઇષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 50 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજારો કિલોમીટર દૂરથી ખાસ કચ્છ આવ્યા હતા.