ભુજમાં પિતા સાથે ઝઘડો કર્યા બાદ પુત્રની લાશ મળી : હત્યાની શંકા
મૃતક યુવાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયો અંગે તપાસ : પોતે 11 વર્ષથી માનસિક અને શારીરિક સતામણીનો ભોગ બનતો હોવાનું જણાવ્યું
મૃતક પાસેથી 55 પાનાનું લખાણ મળ્યુ જેમાં હોમગાર્ડ, પોલીસ મેન અને એડવોકેટ સહિત 42 લોકોના નામ !
શહેરની લાભ શુભ સોસાયટીમાં એકલા રહેતા 31 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકી હત્યા નીપજાવવામાં આવી છે. માનસિક અસ્થિર યુવાન બપોરે પિતા સાથે બોલાચાલી કર્યા બાદ બીજા દિવસે સવારે ગજોડ ડેમ નજીક એકટીવા અને છરી સાથે લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવતા ચકચાર ફેલાઇ છે.
પ્રમુખસ્વામી નગરમાં રહેતા ફરિયાદી ધીરજભાઈ કેશવજી ગોહીલે પ્રાગપર પોલીસ મથકે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. બનાવ મંગળવારે સવારે નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં ભુજની લાભ શુભ સોસાયટીમાં એકલો રહેતો તેમનો 31 વર્ષીય દીકરો અંશુલ ધીરજભાઈ ગોહીલ મોટી તુંબડી ગામના ગજોડ ડેમ નજીક મૃત હાલતમાં મળી આવ્યો હતો. ફરિયાદીનો અપરણિત દીકરો માનસિક બીમાર હતો અને તેની દવા પણ ચાલુ હતી. ગત સોમવારે બપોરે ફરિયાદી સાથે તેમના દીકરાએ બોલાચાલી કરી હતી.
જે બાદ પોતાની એકટીવા નંબર જીજે 12 સીજે 4134 વાળી લઈને ચાલ્યો ગયો હતો. અને તે બાદ ઘરે પરત આવ્યો ન હતો. મંગળવારે પોલીસે ફરિયાદીને તેમના દીકરાનું મૃતદેહ મળ્યો હોવાની જાણ કરતા ગજોડ ડેમ નજીક ગયા હતા. ત્યારે મૃતક અંશુલ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો અને નજીકમાં તેની એકટીવા અને છરી પણ પડેલા હતા. પ્રાગપર પોલીસ મથકના પીઆઈ ડી.ડી.શીમ્પીએ જણાવ્યું કે, મૃતક યુવાન માનસિક બીમાર હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ ઇન્સ્ટાગ્રામ પર મૃતકે પોસ્ટ કરેલા વિડીયો અને પત્ર બાબતે પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.મૃતક યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર અંગ્રેજીમાં એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં પોતાની વ્યથા ઠાલવતા જીવનના ઉતાર ચડાવ અને પોતાની સાથે થયેલા અત્યાચાર બાબતે વર્ણન કર્યો છે. આ ઉપરાંત ગુજરાતીમાં લખેલું 55 પાનાનું લખાણ જેમાં પરિવાર અને સોસાયટી સહિતના 42 જેટલા લોકોએ પોતાની ઉપર કરેલા અત્યાચારની વ્યથા રજુ કરી છે.
જેમાં સગા સંબંધીઓની સાથે હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ સહિતના નામો પણ છે. હોમ ગાર્ડ કમાન્ડન્ટ બાજુમાં તેની વધારે ઓળખ આપતા લખ્યુ છે કે એમએલએ વિનોદ ચાવડાના સાથી. તો આ લિસ્ટમાં કેટલાક નિવૃત પોલીસ કર્મચારીઓના નામ પણ છે જ્યારે એક નામ રણજીતસિંહ રાજપુત (ભુજ એડિવિઝન પોલીસ) તથા વકીલ તરીકે હેમાંશુ એડવોકેટ લખેલું છે. તેવામાં પોલીસ આ તમામ બાબતો અંગે તપાસ કરી રહી છે.
યુવાને પોતે 11 વર્ષથી વધુ સમયથી માનસિક, શારીરિક અને સામાજિક સતામણીનો ભોગ બનતો હોવાનું જણાવ્યું છે. પિતાએ ક્યારેય પ્રેમ ન આપ્યો અને બહેન સહીત સગા સબંધીઓ પણ માનસિક રોગીમાં ખપાવી ત્રાસ આપતા હોવાનું જણાવ્યું છે. જે બાદ લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા આ મામલો હત્યાનો છે કે આત્મહત્યાનો તે દિશામાં પોલીસે તપાસ આદરી રહસ્યનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.