અંજારના ધારાસભ્યની વાડીમાંથી તસ્કરો કિંમતી કેબલ ચોરી ગયા
પશ્ચિમ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો વધી ગયા છે. પવનચક્કી અને વીજલાઈન પરથી કેબલ વાયર ચોરતા તસ્કરો હવે વાડી વિસ્તારમાં પણ હાથફેરો કરવા લાગ્યા છે. તેવામાં પાંચ દિવસ પહેલા ભુજ તાલુકાના વાવડી ગામની સીમમાં જે 5 વાડીઓમાંથી ચોરી થઇ હતી તેમાંથી એક અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છંગાની વાડી હોવાનું બહાર આવ્યું છે.
અંજાર તાલુકાના રતનાલ ગામમાં રહેતા ફરિયાદી ત્રિકમભાઈ કાનાભાઈ માતાએ પદ્ધર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોધાવી હતી. જેમાં ફરિયાદીના બોરવેલ સહીત અંજારના ધારાસભ્યની વાડી પરના બોરવેલમાં પણ તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનું સામે આવ્યું હતું. જે મામલે ધારાસભ્યના દીકરા ભરતભાઈ ત્રિકમભાઈ છાંગા સહિતના પોલીસ મથકે પહોચ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ ગત 12 માર્ચના રાત્રી દરમિયાન બન્યો હતો. જેમાં વાવડી ગામની સીમમાં આવેલ તેમની વાડી પર બન્ને બોરવેલ પરથી 160 મીટર કેબલ ચોરાયેલો હતો.
જે બાદ આસપાસ તપાસ કરતા સચિનભાઈ કાંતિલાલ મોમાયની વાડી પરથી 250 મીટર, ભરતભાઈ વાસણભાઈ છાંગાની વાડી પર બે બોરવેલનો 160 મીટર, ભગવાનજી શામજીભાઈ છાંગાની વાડી પરથી 140 મીટર કેબલ ચોરાયો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પદ્ધર પોલીસ મથકના પીઆઈ એ.જી.પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
છ બોરવેલના કેબલ સહીત 44 હજારની મત્તા ચોરાઈ ગત રવિવારે રાત્રી દરમિયાન વાવડી સીમમાં ફરી તસ્કરોએ હાથફેરો કરી છ બોરવેલ પરથી કેબલ વાયર સહીત 44 હજારનો મુદ્દામાલ ચોરી કર્યો હોવાનું સામે આવ્યું છે.ફરિયાદી વિક્રમભાઈ અરજણભાઈ વરચંદે ગુનો નોધાવતા જણાવ્યું કે,તેમની વાડી પર ઓરડીનો તાળો તોડી કેબલ કાપી તસ્કરો લઇ ગયા હતા.તેમજ બાજુમાં આવેલ કાનજી જીવા વરચંદ,ભચુભાઈ ગોવિંદભાઈ વરચંદની વાડી પરથી કેબલ સહીત ગેસનો ચૂલો,ગેસની બોટલ સહીત ઉઠાવી ગયા હતા.આ ઉપરાંત જયંતી ઠક્કરની વાડી પર હાથફેરો કરી કુલ 44 હજારની કિંમતનો મુદ્દામાલ લઇ પલાયન થઇ ગયા હતા.