અબડાસાનો ચોંકાવનારો કિસ્સો : પ્રેમી સગીર પ્રેમિકાની સાથે તેના ભાઇને પણ ઉઠાવી ગયો !
લખપત તાલુકામાં પ્રેમ પ્રકરણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં અબડાસા તાલુકાના તેરા ગામમાં રહેતો પ્રેમી યુવક પોતાની સગીર વયની પ્રેમિકાનું લગ્નની લાલચે અપહરણ કરી ગયો હતો અને પ્રેમિકાના 13 વર્ષીય ભાઈને પણ આરોપી યુવક ઉઠાવી ગયો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ લખપત તાલુકાના એક ગામમાં રહેતા ભોગ બનનાર સગીરાના પિતાએ દયાપર પોલીસ મથકે અબડાસા તાલુકાના તેરા ગામના આરોપી અંકુલ કારા અલાના કોલી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 28 ઓક્ટોબરના બપોરે બે વાગ્યાના અરસામાં અને 30 ઓક્ટોબરના રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો.
જેમાં આરોપીએ ફરિયાદીના 13 વર્ષીય દીકરા અને 14 વર્ષની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હતો.સમગ્ર મામલે તપાસ કરનાર દયાપર પોલીસ મથકના પીઆઈ સંદીપસિંહ ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપી અને ભોગ બનનાર સગીરાની સગાઇ બાબતે વાતચીત ચાલુ હતી.
દરમિયાન આરોપી 28 ઓક્ટોબરના ફરિયાદીના દીકરાને લઇને પલાયન થઇ ગયો હતો.જે બાદ બે દિવસ પછી 30 ઓક્ટોબરના રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં આરોપી ફરિયાદીની 14 વર્ષની દીકરીને પણ અપહરણ કરીને લઇ ગયો હતો. હાલ સમગ્ર મામલે દયાપર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તેમજ ભોગ બનનાર ભાઈ-બહેનની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે.
