અંજારમાં મકાનમાંથી માતા-પુત્રના કોહવાયેલા મૃતદેહ મળી આવતા ચકચાર
અંજારની ગુરુકુળ સોસાયટીમાં વયોવૃદ્ધ માતા સાથે પુત્રનો પણ મૃતદેહ ઘરમાંથી મળી આવતા ચકચાર મચી હતી. માતા લાંબા સમયથી બીમાર ચાલતા હતા, પ્રાથમિક તારણ અનુસાર માતાનું મોત નિપજતા પુત્રએ દવા પી લીધી હોઇ શકે, જોકે સત્ય વિશેરાઓનું પરિણામ આવ્યા બાદજ સ્પષ્ટ થઈ શકસે તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
અંજારની ગુરુકુળ સોસાયટીમાં રહેતા અને હોમગાર્ડમાં નોકરી કરતા 30 વર્ષીય ભાવેશ દિલીપભાઈ જોષી સાથે તેમના 70 વર્ષીય માતા મુક્તાબેન દિલીપભાઈ જોષીનો મૃતદેહ ગતરોજ તેમના ઘરેથી મળી આવ્યો હતો. વિપ્ર પરીવારના માતા પુત્રના સાથે કઈ રીતે મૃત્યુ થયા હશે તે અંગે વિવિધ મત પ્રવર્તી રહ્યા છે, ત્યારે આ અંગે તપાસનીસ અધિકારી પીએસઆઈ જી.ડી. ગઢવીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે ગત 15/1ના મોડી સાંજના સોસાયટીના આસપડોસના લોકોને દુર્ગધ જેવી અનુભુતી થતા મૃતક પરિવારનો દરવાજો ખોલ્યો હતો.
જેમાં જઈને તપાસ કરતા માતા અને પુત્ર બન્ને મૃત હાલતમાં મળતા તેમને અંજાર સીએચસી હોસ્પિટલ લઈ જઈને પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી. મૃતક વયોવૃદ્ધ માતા બિમારીઓથી ગ્રસીત હતા અને કુદરતી મૃત્યુ પામ્યા હોય તેમ લાગી રહ્યું છે, તો ત્યારબાદ તેમનો પુત્ર માતાના મોતને સહન ન કરી શક્યો હોવાથી દવા પીધી હોવાનું પ્રાથમિક તારણ છે, જોકે પોલીસે વિશેરા લઈને તપાસ માટે મોકલ્યા છે, તેનું પરિણામ આવ્યા બાદ મૃત્યુના કારણો વધુ સ્પષ્ટ થઈ શકસે. પરીવારમાં માતા અને પુત્ર બેજ સાથે રહેતા હતા.